Saturday, December 31, 2011

સંબંધો ખીલવા ન દે તે ભય અને કરમાવા ન દે તે પ્રેમ...


સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી. સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી. આપણે સહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ. સંબંધો જ માણસને માણસ સાથે જૉડી અને જકડી રાખે છે.

દરેક સંબંધો જુદા જુદા હોય છે. કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે. દરેક સંબંધોની એક સીમા હોય છે. દરેક લોકો માટે આપણે અલગ અલગ વર્તુળો દોરી રાખ્યાં હોય છે અને કોને કયાં સુધી આવવા દેવો તે આપણે નક્કી કરી રાખ્યું હોય છે.

આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યકત થાય છે. આ વર્તનમાં જ આપણાં સંસ્કારો અને સંસ્કòતિ છતાં થાય છે. તમે તમારા લોકો સાથે કેવી રીતે રહો છો તેના પરથી જ તમારા સારા-નરસા કે લાયક-નાલાયકની છાપ ખડી થતી હોય છે. આ છાપ જ પછી માણસની ઓળખ બની જાય છે. એટલે જ આપણે ઘણી વખત કોઈની વાત નીકળે ત્યારે એવો સવાલ કરીએ છીએ કે, એ કેવો માણસ છે?

સંબંધો માણસની જરૂરિયાત છે. સંબંધો બંધાતા રહે છે. સંબંધો તૂટતા પણ રહે છે. સંબંધો દૂર પણ જતા રહે છે. સંબંધો સરળ નથી. સંબંધો જાળવવામાં આવડત અને કુનેહની જરૂર પડે છે. કેટલા સંબંધો કાયમી ટકે છે? સંબંધો કેવા રહે છે તે બે વ્યકિત ઉપર નિર્ભર કરે છે. સાથોસાથ એ વાત પણ સનાતન સત્ય છે કે એક વ્યકિતના સંબંધ બીજી વ્યકિત પર સીધી અસર કરે છે. સંબંધોની સાર્થકતા એ આજની સૌથી મોટી જરૂરિયાત છે. માણસ સંબંધો ગુમાવતો જાય છે.

સંબંધો બહુ નાજુક છે. સંબંધો પારા જેવા છે, ખબર ન પડે તેમ સરકી જાય છે અને વેરાઈ પણ જાય છે. છતાં માણસનું ગૌરવ એમાં જ છતું થાય છે કે એ સંબંધોના અપ-ડાઉન વખતે કેવું વર્તન કરે છે. તમે કેવી રીતે મળો છો તેના કરતાં પણ કેવી રીતે છૂટા પડો છો તેના પરથી જ તમારા સંબંધોના ગૌરવ અને ગરિમાની સાબિતી મળે છે. સંબંધોમાં હળવાશ હોવી જૉઈએ. તમારા રિલેશનનું સ્ટાન્ડર્ડ કેવું છે?

માણસ આખી દુનિયાને સારું લગાડતો ફરે છે પણ પોતાના લોકોને જ પ્રેમ કરી શકતો નથી. આખી દુનિયાને માફ કરવી સહેલી છે પણ પોતાની વ્યકિતનું જતું કરવામાં જિગર જૉઈએ. આપણે આપણા સંબંધોને કયારેય નજીકથી નિહાળીએ છીએ? આપણા લોકોની કદર આપણે કરી શકીએ છીએ? તમારા સંબંધોને સજીવન રાખો. કોઈ સંબંધ સુકાઈ જતો લાગે તો સ્નેહ સીંચીને તાજા કરી લો. આપણે ચે જતાં જઈએ તેમ સાથે હોય એ દૂર તો થઈ જતાં નથી ને? ઘર એક વ્યકિતથી બનતું નથી, પોતાના લોકોથી બને છે. સમાજ સંબંધોનું જ મોટું સ્વરૂપ છે અને સંબંધોની મીઠાશમાંથી જ સુખનો સ્વાદ આવે છે. પોતાના લોકોને દૂર થવા નહીં દો તો કયારેય એકલતા લાગશે નહીં.

ખીલવા ન દે તે ભય અને કરમાવા ન દે તે પ્રેમ.

હૃદયમાં જ તારા પ્રથમ તું નીરખને !

Amazing poem with a very deep meaning:

હૃદયમાં જ તારા પ્રથમ તું નીરખને !
પછી દસ દિશામાં પરમ તું નીરખને !

અગમ તું નીરખને ! નિગમ તું નીરખને !
દ્યુતિની ઝલક ચારેગમ તું નીરખને !

મળ્યો છે તને તે ધરમ તું નીરખને !
આ કાગળ, આ ખડિયો, કલમ તું નીરખને !

હવે ક્ષણનું છેટું એ અપરાધ તારો;
આ લીલા અકળ એકદમ તું નીરખને !

છે પીડાના સણકા હજી કષ્ટપ્રદ, પણ
રુઝાઈ રહેલા જખમ તું નીરખને !

છે તરણાં સમા અન્યના દોષ કિન્તુ,
શિલા જેવું તારું અહમ તું નીરખને !

અટકશે કશું પણ ન તારા વિના યે;
ગતિનો સનાતન નિયમ તું નીરખને !

Tuesday, December 27, 2011

સ્તુતિઓ: સમાધિ રસ - ઝરણાં

કેવા કર્યા મેં ઘોર પાપો,સ્મરણ કરતા થરથરું,
સત્કાર્ય જે સવિ જીવનાં,અનુમોદના હરખે કરું,
હે નાથ! તારા ચરણનું બહુ ભાવથી શરણું વરુ,
શરણ આપો શરણ આપો,પડી ચરણમાં કરગરું...(૧)

મન વચન ને કાયના તે ત્રિવિધ યોગોથી પ્રભુ !
કીધાં -કરાવ્યાંને વખાણ્યાં પાપમેં બહુ જે વિભુ !
તેહ સઘળાં થાઓ મિથ્યા એહ તુજને વિનવું,
ફરી થાય નહિ તે પાપબુદ્ધી ભાવના ઉરમાં ધરું....(૨)

જ્ઞાન - દર્શન - ચરણરૂપી રત્નત્રય ઉજ્જવળાં,
ક્યારે કદાપી પાળીયા કે ખીલવી સંયમકળા,
તેવા સવિ શુભ કર્મ જે મેં નાનકાં પણ આદર્યા,
સારું કર્યું સુંદર કર્યું,ભાવે કરું અનુમોદના...(૩)

અરિહંતનું આર્હન્ત્ય ને વળી સિદ્ધપણું જે સિદ્ધનું,
આચાર તો સુરિદેવનો વાચક કને શાસ્ત્રો ભણું,
તપ - ત્યાગ સહ જે ઓપતું સંયમ રૂડું મુનિવર તણું,
અહો ! અહો ! કેવું અનુપમ,એમ મનમાં ગણગણું...(૪)

ત્રણ જગતના હે નાથ ! મુજને તુજ તણું શરણું હજો,
તુજ થકી જે ભવ તર્યા તે સિદ્ધનું શરણું હજો,
તુજ માર્ગને આરાધતા ,મુનિવરતણું શરણું હજો,
વળી તુજ પ્રરૂપિત ધર્મ જે, તે ધર્મનું શરણું હજો...(૫)

હું ખમાવું ભાવથી સવિ જીવને જગ - દેવતા !
સવિ જીવ મુજને માફ કરજો,મેં કર્યા છે બહુ ગુના,
ચરણ પકડીને પ્રભુના બાળ કરતો પ્રાર્થના,
મુજ ચિત્તમાં વહેતા રહો મૈત્રીતણાં ઝરણાં સદા...(૬)

નિર્ભાગીયો ભટકી રહ્યો ભવકાનને હું એકલો,
મારું નથી અહી કોઈને હું પણ નથી પ્રભુ! કોઈનો,
તો પણ નથી પ્રભુ ! દીનતા,હું મસ્તીમાં મહાલી રહ્યો,
તુજ ચરણ કેરા શરણનો મહિમા વિભુ ! આ જોઈ લો...(૭)

તારી કૃપાનાં ફળ સ્વરૂપે મુક્તિ જ્યાં લાગી નાં મળે,
ત્યાં લગી તારા ચરણની છાયા કદીયે ના ટળે,
માળી બની મુજ બાગને તું સિંચજે કરુણાજળે,
જેથી કરીને આત્મભૂમિએ બીજ બોધિતણું  ફળે...(૮)

સ્તુતિઓ: નેમિ વંદના


ગિરનારગિરિ પાવન કર્યો મહિમા અને ગરિમા વડે!
ભોરોલને ભાસિત કર્યો પ્રભુતા અને પ્રતિભા વડે!
મુજ હૃદયને સદભાવ ને સદગુણ વડે શણગારજો!
હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!

મહાશંખ ફૂંકી શત્રુઓની શક્તિઓ સૌ સંહરી 
રણભૂમિ પર શ્રીકૃષ્ણના મહાસૈન્યની રક્ષા કરી
બસ આ રીતે હે નાથ ! આંતરશત્રુ મુજ સંહારજો!
હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!

શ્રી કૃષ્ણની પટરાણીઓ લોભાવવા તમને મથી,
ત્યારેય અંતરમાં તમારા કામજવર  આવ્યો નથી!
હે કામવિજયી ! નાથ મારો કામરોગ નિવારજો!
હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!

રાજીમતી ભૂલી ગઈ તે સ્નેહ સંભાર્યો તમે!
રાજીમતીનો વણકહ્યો આત્મા પ્રભુ! તાર્યો તમે!
હું રોજ સંભારું,મને ક્યારેક તો સંભારજો!
હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!

પોકાર પશુઓનો સુણી સહુને તમે પ્રભુ ! ઉદ્ધર્યા
દીક્ષા લઇ કેવળ વરી બહુને તમે પ્રભુ ! ઉદ્ધર્યા
મારી વિનવણી છે હવે મુજને પ્રભુ ! ઉદ્ધારજો !
હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!

સ્વામી ! તમે સેવક્જનો તાર્યા બહુ તેથી કહું
આ દુઃખમય સંસારમાં રઝળી રહ્યો છું નાથ ! હું
વિનતી કરું છું,કરગરું છું,નાથ ! મુજને તારજો!
હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!

શ્યામલ છબી પ્રશમાર્દ્ર નયનો રૂપ આ રળીયામણું!
મુખડું મનોહર આકૃતિ રમણીય સ્મિત સોહામણું!
આ સર્વ અંતિમ સમયમાં મુજ નયન માં અવતારજો !
હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!

હે નાથ ! તૃષ્ણા અગ્નિએ જનમોજનમ બાળ્યો મને
ને હાલ નયનોમાં ડુબાડી પ્રભુ ! તમે થાર્યો મને!
છે ઝંખના બસ એક કે મુજને ભવોભવ ઠારજો!
હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!

તમને પ્રભુ! પામી પળે પળ પરમશાતા અનુભવું !
હે નાથ !તમને છોડીને બીજે નથી મારે જવું!
મારે જવું છે મોક્ષમાં મુજ માર્ગને અજવાળજો!
હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!

પ્રાર્થના: પ્રભુ મારા હૈયામા...

પ્રભુ મારા હૈયામાતારી ભક્તિ ભરી દેજે
નામ તારું વીર પ્રભુમારી જીભે જડી દેજે
તારા વિના દુનિયામાં પ્રભુ કોઈ નથી મારું
હાથ મારો ઝાલીને મને તારો ગણી લેજે..... 
તારા ભરોસો મેં મારી નૈયા ઝુકાવી છે
દુખ કેરા દરીયેથી એને પારી કરી લેજે....
કામ એવા કીધા છે મને કહેતા શરમ આવે, 
પાપ મારા બાળીને મને પાવન કરી દેજે....   

સ્તુતિઓ: આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું...


ડગલે અને પગલે સતત હિંસા મને કરવી પડે,
તે ધન્ય છે જેને અહિંસા પૂર્ણ જીવન સાંપડે,
ક્યારે થશે કરુણા ઝરણથી આર્દ્ર મારું આંગણું,
આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું...(૧)

ક્યારેક ભય ક્યારેક લાલચ ચિત્ત ને એવા નડે,
વ્યવહારમાં વ્યાપારમાં જુઠું તરત કહેવું પડે,
છે સત્યમહાવ્રતધર શ્રમણનું જીવનઘર રળિયામણુંઆ પાપમય...(૨)

જે માલિકે આપ્યા વગરનું તણખલું પણ લે નહિ,
વંદન હજારો વાર હો તે શ્રમણ ને પળપળ મહી,
હું તો અદત્તાદાન માટે ગામ પરગામે ભમું,આ પાપમય...(૩)

જે ઇન્દ્રિયોને જીવનની ક્ષણ એક પણ સોંપાય ના,
મુજ આયખું આખું વીત્યું તે ઇન્દ્રિયોના સાથમાં,
લાગે હવે શ્રી સ્થૂલિભદ્રતણું સ્મરણ સોહામણું,આ પાપમય...(૪)

નવવિધ પરિગ્રહ જીંદગીભર હું જમા કરતો રહ્યો,
ધનલાલસામાં સર્વભક્ષી મરણને ભૂલી ગયો,
મૂર્છારહિત સંતોષમાં સુખ છે ખરેખર જીવનનું,આ પાપમય...(૫)

અબજો વરસની સાધનાનો ક્ષય કરે જે ક્ષણમહી,
જે નરકનો અનુભવ કરાવે સ્વ પરને અહીને અહી,
તે ક્રોધથી બની મુક્ત સમતાયુકત હું ક્યારે બનું,આ પાપમય...(૬)

જિનધર્મતરુના મૂલ જેવા વિનયગુણ ને જે હણે,
જે ભલભલા ઉંચે ચડેલા ને ય તરણા સમ ગણે,
તે દુષ્ટ માનસુભટની સામે બળ બને મુજ વામણું,આ પાપમય...(૭)

શ્રીમલ્લિનાથ જિનેન્દ્રને જેણે બનાવ્યા સ્ત્રી અને,
સંકલશની જાલિમ અગનમાં જે ધખાવે જગતને,
તે દંભ છોડી સરળતાને પામવા હું થનગનું ,આ પાપમય...(૮)

જેનું મહાસામ્રાજ્ય અકેન્દ્રિય સુધી વિલસી રહ્યું,
જેને બની પરવશ જગત આ દુ:ખમાં કણસી રહ્યું,
જે પાપનો છે બાપ તે ધનલોભ મેં પોષ્યો ઘણું,આ પાપમય...(૯)

તન ધન સ્વજન ઉપર મેં ખુબ રાખ્યો રાગ પણ,
તે રાગથી કરવું પડ્યું મારે ઘણા ભવમાં ભ્રમણ,
મારે હવે કરવું હૃદયમાં સ્થાન શાસનરાગનું,આ પાપમય...(૧૦)

મેં દ્વેષ રાખ્યો દુ:ખ ઉપર તો સુખ મને છોડી ગયું,
સુખ દુ:ખ પર સમભાવ રાખ્યો,તો હૃદયને સુખ થયું,
સમજાય છે મુજને હવેછે દ્વેષ કારણ દુ:ખનું,આ પાપમય...(૧૧)

જે સ્વજન તન ધન ઉપરની મમતા તજી સમતા ધરે,
બસ,બારમો હોય ચંદ્રમાં તેને કલહ સાથે ખરે,
જિનવચનથી મધમધ થજો મુજ આત્માના અણુ એ અણુ,આ પાપમય...(૧૨)

જો પૂર્વભવમાં એક જુઠું આળ આપ્યું શ્રમણને,
સીતા સમી ઉત્તમસતીને રખડપટ્ટી થઇ વને,
ઈર્ષ્યા તજું,બનું વિશ્વવત્સલ,એક વાંછિત માંન્તાનું,આ પાપમય...(૧૩)

મારી કરે કોઈ ચાડીચૂગલી એ મને ન ગમે જરી,
તેથી જ મેં,આ જીવનમાં નથી કોઈ પણ ખટપટ કરી,
ભવો ભવ મને નડજો કડી ના પાપ આ પૈશુન્યનું,આ પાપમય...(૧૪)

ક્ષણમાં રતિ ક્ષણમાં અરતિ આ છે સ્વભાવ અનાદિનો ,
દુ:ખમાં રતિ સુખમાં અરતિ લાવી બનું સમતાભીનો,
સંપૂર્ણ રતિ બસ,મોક્ષમાં હું સ્થાપવાને રણઝણું,આ પાપમય...(૧૫)

અત્યંત નિંદાપાત્ર જે આ લોકમાં ય ગણાય છે,
તે પાપ નિંદા નામનું તજનાર બહુ વખણાય છે,
તજું કામ નક્કામું હવે આ પારકી પંચાતનું,આ પાપમય...(૧૬)

માયામૃષાવાદે ભરેલી છે પ્રભુ ! મુજ જીંદગી,
તે છોડવાનું બળ મને દે,હું કરું તુજ બંદગી,
બનું સાચાદિલ આ એક મારું સ્વપ્ન છે આ જીવનનું,આ પાપમય...(૧૭)

સહુ પાપનું,સહુ કર્મનું,સહુ દુ:ખનું જે મૂલ છે,
મિથ્યાત્વશલ્ય ભૂંડું શૂલ છે,સમ્યક્ત્વ રૂડું ફૂલ છે,
નિષ્પાપ બનવા હે પ્રભુજી ! શરણ ચાહું આપનું,આ પાપમય...(૧૮)

જ્યાં પાપ જ્યારે એક પણ તજવું અતિ મુશ્કેલ છે,
તે ધન્ય છે જે ઓ અઢાર પાપથી  વિરમેલ છે,
ક્યાં પાપમય મુજ જિંદગી,ક્યાં પાપશૂન્ય  મુનિજીવન !
જો તુમ સમુ પ્રભુ! હીર આપો તો કરું મુક્તિ ગમન
આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું.... (૧૯)

પ્રભુ આટલું તો આજ ભવે દેજે મને કરુણા કરી

સંસારની નિસારતા નિર્વાણ ની રમણીયતા,
ક્ષણ ક્ષણ રહે મારા સ્મરણમાં ધર્મ ની પરણીયતા,
સમ્યક્ત્વની જ્યોતિ હૃદય માં ઝળહળે શ્રેયસ કરી,
પ્રભુ આટલું તો આજ ભવે દેજે મને કરુણા કરી...(૧)

સવિ જીવ શાસન રસી આ ભાવના હૈયે ધરું,
કરુણા ઝરણ માં રાત દિન હું જીવન ભર વહેતો રહું,
શણગાર સંયમ નો સજી ઝંખું સદા શિવ સુંદરી,
પ્રભુ આટલું તો આજ ભવે દેજે મને કરુણા કરી...(૨)

ગુણીજન વિષે પ્રીતિ હરું,નિર્ગુણ વિષે મધ્યસ્થતા,
આપત્તિ હો સંપત્તિ હો રાખું હૃદય માં સ્વસ્થતા,
સુખમાં રહું વૈરાગ્યથી દુ:ખમાં રહું સમતા ધરી,
પ્રભુ આટલું તો આજ ભવે દેજે મને કરુણા કરી...(૩)

સંકટ ભલે ઘેરાય ને વેરાય કંટક પંથમાં,
શ્રદ્ધા રહો મારા હૃદયમાં જિનરાજ આગમ ગ્રંથમાં,
પ્રત્યેક પલ પ્રત્યેક સ્થળ હૈયે રહે તુજ હાજરી,
પ્રભુ આટલું તો આજ ભવે દેજે મને કરુણા કરી...(૪)

તારા સ્તવન ગાવા હંમેશા વચન મુજ ઉલ્લસિત હો,
તારા વચન સુણવા હંમેશા શ્રવણ મુજ ઉલ્લસિત હો,
તુજને નીરખવા આંખો મારી રહે હંમેશા બાંવરી,
પ્રભુ આટલું તો આજ ભવે દેજે મને કરુણા કરી...(૫)

સંસાર સુખના સાધનોથી સતત હું ડરતો રહું,
ધરતો રહું તુજ નામ ને આંતર વ્યથા હરતો રહું,
કરતો રહું દિન રાત બસ તારા ચરણની ચાકરી,
પ્રભુ આટલું તો આજ ભવે દેજે મને કરુણા કરી...(૬)

ધર્મે દીધેલા ધન સ્વજન હું ધર્મ ને ચરણે ધરું,
શ્રી ધર્મનો ઉપકાર હું ક્યારેય પણ ના વિસરું,
હો ધર્મમય મુજ જીંદગી હો ધર્મમય પળ આખરી,
પ્રભુ આટલું તો આજ ભવે દેજે મને કરુણા કરી...(૭)

મનમાં સ્મૃતિ મૂર્તિ નયનમાં વચનમાં સ્તવના રહે,
મુજ રક્તના હર બુંદમાં જિનરાજ તુજ આજ્ઞા વહે,
પહોંચાડશે મોક્ષે મને જિનધર્મ એવી ખાતરી,
પ્રભુ આટલું તો આજ ભવે દેજે મને કરુણા કરી...
પ્રભુ આટલું જનમો જનમ  દેજે મને કરુણા કરી...(૮)

Saturday, December 24, 2011

હે નાથ ! નિર્મળતા તણું વરદાન..

આ જગતના કૈ ભૂપના પણ રૂપ જ્યાં ઝાંખા પડે,
દેવો તણા અધિરાજના તનુંતેજ જ્યાં ઝાંખા પડે,
રૂપયુક્ત રાગે મુક્ત પ્રભુવર! એક વિનતી સાંભળો,
હે નાથ ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો...

તીર્થો તણી પર્વો તણી લજ્જા પ્રભુ મેં ધરી નથી,
શુભયોગને સ્પર્શ્યા છતાં શુભતાને મનમાં ભરી નથી,
કેવળક્રિયાઓ કરી રહ્યો હવે તેહનું ફળ આપજો,
હે નાથ ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો...

તવદર્શ કેરું સ્પર્શ કેરું નિમિત્ત લઇ અતિનિર્મળું,
નથી છૂટતી આ પાપગ્રંથિ કેમ કરી પાછો વળું ?
આ જીવ કેરી અવદશાને કૃપાળું દેવ ! નિવારજો,
હે નાથ ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો...

ઉપસર્ગ કરનારા જીવોને પણ ક્ષમા પ્રભુ ! દઈ દીધી,
આસક્તને વૈરાગ્ય કેરી સ્પર્શના પ્રભુ ! દઈ દીધી,
સ્તવના કરીને યાચતા આ બાળનું મન રાખજો,
હે નાથ ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો...

મનના મલીન વિચારનો કોઈ અંત દેખાતો નથી,
કાયા તણી શુભકરણીનો કાંઈ અર્થ લેખાતો નથી,
હવે એક ઔષધ આપ તારક પ્રાર્થના અવધારજો,
હે નાથ ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો...


તવ નયનમાંથી નિખરતા નિર્મળ કિરણ ઝીલ્યા કરું,
ને નિર્વિકારદશા તણો હરપળ પ્રભુ ! અનુભવ કરું,
મુજને કરાવી શુદ્ધિનું મહાસ્નાન પછી શણગારજો,
હે નાથ ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો...

સ્તુતિઓ


સીજ્યા પ્રભુ મુજ કાજ સઘળા આપ દર્શન યોગથી,
મંગલ બન્યો દિન આજ મારો આપ પ્રેમ પ્રયોગથી,
ધરતી હૃદયની નાથ મારી આપ શરણે ઉપશમી
રત્નત્રયી વરદાન માંગુ નાથ! તુજ ચરણે નમી....

ગિરૂઆ ગુણો તારા કેટલા ગુણસાગરો ઓછા પડે,
રૂપ લાવણ્ય તારું કેટલું રૂપસાગરો પાછા પડે,
સામર્થ્ય એવું અજોડ છે સહુ શક્તિઓ ઝાંખી પડે,
તારા ગુણાનુંવાદમાં માં શારદા પાછી પડે...

ઝીલમીલ થતા દીપક તણા અજવાસના પડદા પરે ,
હર પલ અને હર ક્ષણ પ્રભુ તું નવ નવા રૂપો ધરે,
હે વિશ્વમોહન નીરખતાં અનિમેષ નયને આપને,
ત્રણ જગત ન્યોછાવર કરું તારી ઉપર થાતું મને...

મુજ હૃદયના ધબકારમાં તારું રટણ ચાલી રહો,
મુજ સ્વાસ ને ઉચ્છવાસમાં તારું સ્મરણ ચાલી રહો,
મુજ નેત્રની હર પલકમાં તારું જ તેજ રમી રહો,
ને જીંદગીની હર પળોમાં પ્રાણ તુંહી મુજ બની રહો...

ના તેજ હો નયને પરંતુ નિર્વિકાર રહો સદા,
હૈયે રહો ના હર્ષ કિન્તુ સદવિચાર રહો સદા,
સૌન્દર્ય દેહે ના રહો પણ શીલભાર રહો સદા,
મુજ સ્મરણ માં હે નાથ! તુજ પર્મોપકાર રહો સદા...

સુખ દુઃખ સકલ વિસરું વિભુ એવી મળો ભક્તિ મને,
સહુને કરું શાસનરસિ એવી મળો શક્તિ મને,
સંક્લેશ અગન ભુઝાવતી મળજો અભિવ્યક્તિ મને,
મનને પ્રસન્ન બનાવતી મળજો અનાશક્તિ મને...

મળજો મને જન્મો જનમ બસ આપની સંગત પ્રભુ,
રેલાય મારા જીવનમાં તુજ ભક્તિની રંગત પ્રભુ,
તુજ સ્મરણ ભીનો વાયરો મુજ આસપાસ વહો સદા,
મુજ અંગે અંગે નાથ! તુજ ગુણમય સુવાસ વહો સદા...

હું કદી ભૂલી જાઉં તો પ્રભુ તું મને સંભાળજે,
હું કદી ડૂબી જાઉં તો પ્રભુ તું મને ઉગારજે,
હું વસ્યો છું રાગમાં ને તું વસે વૈરાગમાં,
આ રાગમાં ડૂબેલને ભવપાર તું ઉતારજે...

આરાધનાની ગાંઠ સરકી જાય ના જોજે પ્રભુ,
મુજ ભાવનાનો સ્તોત ફસકી જાય ના જોજે પ્રભુ,
મુજ સ્વાસના ક્યારા મહી રોપ્યું પ્રભુ તુજ નામને,
એ મોક્ષ ગામી બીજ બગડી જાય ના જોજે પ્રભુ...


છે કાળ બહુ બિહામણો ને પાર નહિ કુનિમિત્તનો,
છે સત્વ મારું પાંગળું આધાર એક જગમિતનો,
સ્વીકાર છે તુજ પંથનો બસ તાહરા વિશ્વાસથી,
હે નાથ! યોગક્ષેમ કરજે સર્વદા મોહપાસથી

મનગમતી સ્તુતિઓ

સંસાર ઘોર અપાર છે તેમાં ડૂબેલા ભવ્યને,
હે તાર નારા નાથ શું ભૂલી ગયા નિજ ભક્તને?
મારે શરણ છે આપનું નવિ ચાહતો હું અન્યને,
તો પણ પ્રભુ મને તારવામાં ઢીલ કરો શા કારણે?

સ્વાર્થ ભર્યા સંસારમાં કાંઈ સાર દેખાતો નથી,
તારા શરણ વિના હવે ઉદ્ધાર સમજાતો નથી,
અસહાય મારો આતમા રખડી રહ્યો અંધકારમાં,
સ્વીકારજે ઓ નાથ મુજને,આવ્યો છું તુજ દરબારમાં...

પ્રશ્નો પૂછું છું કેટલા ઉત્તર મને મળતા નથી,
દીધેલ કોલ ભૂલી ગયા જાણે જૂની ઓળખ નથી,
દાદા થઇ બેસી ગયા હવે દાદ પણ દેતા નથી,
આવી ઉભો તારે દ્વાર પણ આવકાર મુજ દેતા નથી...

શું કર્મો કેરો દોષ છે અથવા શું મારો દોષ છે?
શું ભવ્યતા નથી માહરી? હતકાળનો  શું દોષ છે?
અથવા શું માહરી ભક્તિ નિશ્ચે આપમાં પ્રગટી નથી?
જેથી પરમપદ માંગતા પણ દાસ ને દેતા નથી...

ભોગો તણી ભૂખ પુષ્ટ કરવા નાથ! તુજને હું ભજું,
તન મન વચનથી નાથ! પ્રીતિ પાપની હું નાં તજું,
દુર્જન ઘણો દિલથી છતાં પણ વેશ સજ્જનનો ધરું,
હૈયે ધર્યા વિણ નાથ! તુજને ભાવ થકી હું શે તરું ?

ક્યારે પ્રભુ ! તુજ સ્મરણથી આંખો થકી આંસુ ઝરે?
ક્યારે પ્રભુ ! તુંજ  નામ જપતાં વાણી મુજ ગદગદ બને?
ક્યારે પ્રભુ ! તુજ વાણી સુણતા દેહ રોમાંચિત બને?
ક્યારે પ્રભુ ! મુજ શ્વાસે શ્વાસે નામ તારું સાંભરે?

ક્યારે પ્રભુ ! ષટ્કાય જીવના વધ થકી હું વિરમું?
ક્યારે પ્રભુ ! રત્નત્રયી આરાધવા ઉજ્જવળ બનું?
ક્યારે પ્રભુ ! મદમાન  મૂકી સમતા રસમાં લીન બનું?
ક્યારે પ્રભુ ! તુજ ભક્તિ પામી મુક્તિગામી હું બનું?

વૈરાગ્યના રંગો સજી ક્યારે પ્રભુ સંયમ ગ્રહું?
સદગુરુના ચરણે રહી સ્વાધ્યાયનું ગુંજન કરું,
સવિ  જીવને દઈ દેશના હું ધર્મનું સિંચન કરું,
કર્મો થકી નિર્લેપ થઇને ક્યારે પ્રભુ મુક્તિ વરૂં ?

ના તેજ હો નયને પરંતુ નિર્વિકાર રહો સદા,
હૈયે રહો ના હર્ષ કિન્તુ સદવિચાર રહો સદા,
સૌંદર્ય દેહે ના રહો પણ શીલભાર રહો સદા,
મુજ સ્મરણમાં હે નાથ! તુજ પરમોપકાર રહો સદા...

વીતરાગ વલ્લભ વિશ્વના વાત્સલ્યતા તારી કેટલી!
સહુ જીવમાં તું શિવ જોતો ભવ્યતા તારી કેટલી!
પોતે તર્યા તેમ સહુ તરે તારકતા તારી કેટલી!
સહુ જીવના કલ્યાણ માટે ધર્મની બક્ષીસ ધરી!

મળજો મને જન્મો જનમ બસ આપની સંગત પ્રભુ!
રેલાય મારા જીવનમાં ભક્તિ તણી રંગત પ્રભુ!
તુજ સ્મરણભીનો વાયરો મુજ આસપાસ વહો સદા!
મુજ અંગે અંગે નાથ!તુજ ગુણમય સુવાસ વહો સદા!

ભાવ ભીની સ્તુતિઓ

તુજ અંગે અંગે તેજ તપતું કોટી કોટી સૂર્ય નું ,
ને નેત્ર માંથી ઝરણું ઝરતું અમૃત સામા ધુર્ય નું,
જાણે કમળ ની પાંખડી એવી તમારી આંખડી,
એકી ટશે જોતા ખીલે મારા હૃદય ની પાંખડી...




અરિહંત હે ભગવંત તુજ પદ પદ્મ સેવા મુજ હોજો,
ભવો ભવ વિષે અનિમેષ નયને આપનું દર્શન હોજો,
હે દયા સિંધુ દિન બંધુ દિવ્ય દ્રષ્ટિ આપજો,
કરી આપ સમ સેવક તણા સંસાર બંધન કાપજો ...




સ્વાર્થે ભર્યા સંસારમાં કઈ સાર દેખાતો નથી,
તારા શરણ વિના હવે ઉદ્ધાર સમજાતો નથી,
અસહાય મારો આત્મા રખડી રહ્યો અંધકારમાં,
સ્વીકારજો ઓ નાથ મુજને આવ્યો છું તુજ દરબારમાં...




મુજ આત્મા ના હર પ્રદેશે જે છવાઈ ગંદકી,
તેને હટાવી દુર તુજમાં ના ભળુ હું જ્યાં લગી,
સોંપી તમારા ચરણમાં મારી અમૂલી જિંદગી,
સ્વીકારજો સ્વામી તમે છે એટલી મુજ બંદગી…




હું ઓરડો અવગુણ તણો એમ જાણી જો ઉવેખશો,
તો નાથ મારા આદિ થી નિર્દોષ ક્યાંથી લાવશો,
નિર્દોષ ને જો તારશો તેમાં તમારી શી કળા,
આ (મુજ) અવગુણી ને જો તારશો તો જાણું હું તારક ખરા...