Friday, January 27, 2012

સમતાથી દર્દ સહુ ,પ્રભુ એવું બળ દેજો..


સમતાથી દર્દ સહુ ,પ્રભુ એવું બળ દેજો,
મારી વિનંતી માનીને,મને એટલું બળ દેજો.

કોઈ ભવમાં બાંધેલા,મારા કર્મો જાગ્યા છે,
કાયાના દર્દ રૂપે,મને પીડવા લાગ્યા છે..(૨)
આ જ્ઞાન રહે તાજુંએવું સિંચન જળ દેજો....મારી....

દર્દોની આ પીડા સહેવાતી મટશે નહિ,
હું કલ્પાંત કરૂ તો પણ આ દુ:ખ તો ઘટશે નહિ...(૨)
દુર્ધ્યાન નથી કરવું ,એવું નિશ્ચય બળ દેજો....મારી...

આ કાયા અટકી છે,નથી થાતા તુજ દર્શન,
ના જઈ શકું સુણવાને ,ગુરુ ની વાણી પાવન...(૨)
જિનમંદિર જાવાનું ફરી ને અંજળ દેજો...મારી ...

નથી થાતી ધર્મ ક્રિયા,એનો રંજ  ઘણો મનમાં,
દિલડું તો દોડેપણ શક્તિ નથી તનમાં...(૨)
મારી હોંશ પુરી થાયે,એવા શુભ અવસર દેજો...મારી...

છોને આ દર્દો વધે,હું મોત નહિ માંગુ,
વળી છેલ્લા શ્વાસ સુધી,હું ધર્મ નહિ ત્યાગું...(૨) 
રહે ભાવ સમાધિ નો ,એવી અંતિમ પળ દેજો...મારી...

Saturday, January 21, 2012

રૂડા રાજ મહેલ ને ત્યાગી,પેલા ચાલ્યા રે જાય વૈરાગી..

Amazing Stavan... Just love this video & lyrics.. It just touches the Soul :)



રૂડા રાજ મહેલ ને ત્યાગી,પેલા ચાલ્યા રે જાય વૈરાગી,
એનો આતમ ઉઠ્યો જાગી,પેલા ચાલ્યા રે જાય વૈરાગી...

નથી કોઈ એની સંગાથે,
નીચે ધરતી ને આભ છે માથે,
એતો નીકળ્યો ખાલી હાથે,પેલા ચાલ્યા રે જાય વૈરાગી,

એણે મૂકી આ જાગત ની માયા,
એની યુવાન છે હજુ કાયા,
એણે મુક્તિમાં દીઠો ચાર,પેલા ચાલ્યા રે જાય વૈરાગી,

એને સંયમની તલપ જે લાગી,
એનો આતમ બન્યો મોક્ષ ગામી,
ભવો ભવની ભ્રમણા ભાંગી,પેલા ચાલ્યા રે જાય વૈરાગી,

હવે રસ્તો બદલ ઓ દિલ, કે એનું ઘર નહીં મળશે


હવે રસ્તો બદલ ઓ દિલ, કે એનું ઘર નહીં મળશે;
અને મળશે તો પહેલાના સમો આદર નહીં મળશે.

નહિ મળશે કોઈ પ્રેમાળ મારા જેટલો તમને,
મને કોઈ તમારા જેટલાં સુંદર નહીં મળશે.

ચૂંટી લીધા છે એણે એટલે તો ખાસ ભક્તોને;
એ સૌનો છે ભલે, પણ સૌને કઈ ઈશ્વર નહીં મળશે.

હજારો એમ તો ઠોકર રૂપે મળવાના રસ્તામાં,
જો ઘર ચણવું હશે તો એક પણ પથ્થર નહીં મળે.

જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે,
સદા માટે સુવાનું છે છતાં બિસ્તર નહીં મળશે.

અલગ રીતે હવે ઓ જીવ દુનિયાથી જુદા પડીએ


અલગ રીતે હવે ઓ જીવ દુનિયાથી જુદા પડીએ,
હ્રદયમાં કોઇને રાખી અમારાથી જુદા પડીએ.

આ ઝાકળ થઇને ફૂલે મ્હાલવું શું બે ઘડી માટે?
બને તો ચાલને આવા અભરખાથી જુદા પડીએ.

મને ટોક્યો નહીં,વાર્યો નહીં ને જાતમાં રાખ્યો,
ખુશામતખોર આ દર્પણની ઘટનાથી જુદા પડીએ.

કોઇ રોકાઇ જા બોલે,કોઇ ખેંચાઇ જા બોલે,
હવે આ મન હ્રદયનાં બેઉ રસ્તાથી જુદા પડીએ.

આ ભરતી ઓટ જોયા પણ હવે કરનાર જોવો છે,
અમારો જીવ જળમાં છે શું દરિયાથી જુદા પડીએ?

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને


પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને

Friday, January 20, 2012

એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે જ હોઈશું...


Dedicated to All my Friends who are & shall always remain close to Heart whatever happens in between us. I hope that they do find time to read & feel the same in their pretty busy schedules..

છેલ્લે તો આપણે જ હોઈશું…

ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ,

એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે જ હોઈશું.

હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,

એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે જ હોઈશું.

આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તી પણ પાંખી થશે,

ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે જ હોઈશું.

‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ’,

એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે જ હોઈશું.


સાથ જ્યારે છુટી જશે, વીદાયની ઘડી આવી જશે,

ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે જ હોઈશું.

લાગણી આપી રહ્યો છું દાનમાં..


એક ટહુકો પામવા અહેસાનમાં,

લાગણી આપી રહ્યો છું દાનમાં.

આભથી ધરતી લગી એ વિસ્તરી,

વાત કહેવાની હતી જે કાનમાં.

ફૂલદાનીનો હશે મોભો કબૂલ,

ફૂલની શોભાય છે વેરાનમાં.

કેટલા પયગંબરો આવી ગયા,

કાં ફરક પડતો નથી ઇન્સાનમાં ?

જ્યાં કિનારાની અભિલાષા કરી,

નાવ સપડાઇ ગઇ તોફાનમાં.

શબ્દ સાથે હાથ મેળવવો હતો,

આ ગઝલ તેના અનુસંધાનમાં.