Friday, September 30, 2011

સાધના કરવી પડે...


ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,
નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.
એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,
એના માટે પણ જગતમાં નામના કરવી પડે.
આપવા માગે જ છે તો આટલું દઇ દે મને,
યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !
આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,
અન્ય હારી જાય એવી કામના કરવી પડે.
આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,
સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે.

હોય તોય શું?


એ અલ્પ માંગ હો કે અતિ હોય તોય શું?
એ ભીખ છે છૂપી કે છતી હોય તોય શું?
ફરવાનું ગોળ ભાગ્યમાં જેના લખ્યું હશે,
તકદીરની ગાડીને ગતિ હોય તોય શું?
દુર્યોધનો જો જાંઘને ખુલ્લી કરી શકે,
તો દ્રૌપદીને પાંચ પતિ હોય તોય શું?
ઉદ્ધાર કરવા રામને વનમાં જવું પડે,
અહલ્યા સમી જો કોઈ સતી હોય તોય શું?
તમને તો છે ખબર કોઈ ક્યારે થશે ચલિત,
હે વિશ્વામિત્ર! કોઈ જતિ હોય તોય શું?
ઓ કામદેવ! આ આંખ તું ખોલી નહીં શકે,
શંકરની સામે લાખ રતિ હોય તોય શું?
જે સંકુચિત ધોરણ છે તે રહેશે અહીં !
તારી ભલે વિશાળ મતિ હોય તોય શું?

હોતો નથી


પ્રેમની પળનો વિલય હોતો નથી,
માત્ર આપણને સમય હોતો નથી.
તું કહે જ્યારે કે હું હારી ગઈ,
એ પળે મારો વિજય હોતો નથી.
બેફિકર છું જિંદગીથી એટલે,
પાનને ડાળીનો ભય હોતો નથી.
હું હૃદય ખોલીને બોલું તો કહે,
તારી વાતોમાં વિનય હોતો નથી.
જ્યાં હવા નિર્વસ્ત્ર થઈ ન્હાવા પડે,
વ્હેતા જળમાં ત્યારે લય હોતો નથી.
પર્ણ લીલુંછમ ગુમાવે ડાળ તો,
વૃક્ષમાં શું એ પ્રલય હોતો નથી?
બોલ તું સંવાદની છોડી ફિકર,
વ્હાલ કહેવામાં વિષય હોતો નથી.

માણસ મજાનો હોય છે


સાંજ ટાણે રોજના શાના વિચારો હોય છે ?
જેમના ઉત્તર ના હો, તે શું સવાલો હોય છે ?
હો ખુદાનો કે બીજાનો, તો હજુ સમજાય, પણ
ડર તને તારો જ ભારોભાર શાનો હોય છે ?
શક્ય હો તો એક-બે ભૂલો નજરઅંદાજ કર
એમની પાછળ કદી માણસ મજાનો હોય છે.
રક્ત પર અંકિત થશે ડાઘા દલાલીના સતત,
પિંડ હો તારું ને જો છાંયો પરાયો હોય છે.
એક આ તર્પણ – હો ગંગાતટ અને ખોબામાં જળ,
એક તર્પણ આ ય જ્યાં દીકરો સવાયો હોય છે.

મનને સમજાવો નહીં


મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,
આ સમજ, આ અણસમજ એ ખુદ સરજતું હોય છે.
છે ને કલકોલાહલે આ સાવ મૂગું મૂઢ સમ,
એકલું પડતાં જ તો કેવું ગરજતું હોય છે!
એક પલકારે જ જો વીંધાય, તો વીંધી શકો,
બીજી ક્ષણ તો એ જ સામા સાજ સજતું હોય છે.
એ જ વરસે વાદળી સમ ઝૂકતું આકાશથી,
એ જ તો મોતી સમું પાછું નીપજતું હોય છે.
ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું,
શબ્દનું એની કને કૈં ક્યાં ઊપજતું હોય છે!

પરિચય થવા લાગે


બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,
કશું અંધારમાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.
અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,
પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.
રહે સરખું ધબકતું ત્યાં સુધી તો આપણું હૈયું,
અને ગૂંગળાય ત્યાંથી કોઈનો આશય થવા લાગે.
હવે પીનાર કે પાનારની નૈયતને શું રડવું ?
ભરેલો જામ ફૂટે ને તરસ અક્ષય થવા લાગે !
પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર,
ન પામે માવજત મનની તો એ સંશય થવા લાગે.
નહીં પગલાં પડે તો શી દશા થાશે વિકટ પથની ?
મુસાફરના થશે શા હાલ ! જો નિર્ભય થવા લાગે.
નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો,
કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે.

****
                      પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે… - સમીર

ન્હોતી ખબર મને


કાંટાથી પ્યાર થૈ જશે, ન્હોતી ખબર મને,
ફુલોનો ભાર થૈ જશે, ન્હોતી ખબર મને.
માન્યું હતું કે દિલને મળી જશે સાંત્વન,
ભક્તિનો ભાર થૈ જશે, ન્હોતી ખબર મને.
વેરાન દિલ મહીં જો, થયું એનું આગમન,
રણમાં બહાર થૈ જશે, ન્હોતી ખબર મને.
વિશ્વાસ મિત્રનો હતો મુજને તો પૂર્ણ, પણ
પાછળ પ્રહાર થૈ જશે, ન્હોતી ખબર મને.
લાંબા દિવસ પછી તો રચાયું’તું એ મિલન,
વ્હેલી સવાર થૈ જશે, ન્હોતી ખબર મને.
કિર્તી ને લક્ષ્મી અને વૈભવ તો સૌ મળ્યા,
જીવન અસાર થૈ જશે, ન્હોતી ખબર મને.
ગાઇ રહ્યો’તો ગીત ખુશીનાં, જે ગર્વથી,
દુ:ખની પુકાર થૈ જશે, ન્હોતી ખબર મને.
એ તો ખરું કે જીત ખરેખર છે સત્યમાં,
દુશ્મન હજાર થૈ જશે, ન્હોતી ખબર મને.
સમીર તો ખુશ હતો કે પ્રસિધ્ધી મળી જશે,
અવળો પ્રહાર થૈ જશે, ન્હોતી ખબર મને.

શા માટે?


જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?
આ આંખ ભટકતાં થાકી ગઇ, આ પ્રેમને પોરો ખાવો છે,
કોઇ દિલની સરાઇ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે?
છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,
કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે?
હું ઠપકો દઉં છું રોજ, હ્રદયને રોજ દિલાસો આપું છું,
કે તું ય પકડવા દોડે છે એ પ્યારનો પારો શા માટે?
સપનાંનું રેશમ જાય બળી, ને આશાની મૂરઝાય કળી,
કોઇ લીલાછમ ખેતરને ખોળે ગમનો અંગારો શા માટે?
જ્યાં જોગ નથી, જ્યાં ભોગ નથી, સુખદુ:ખના જ્યાં સંજોગ નથી,
જ્યાં પ્યાર કર્યાનું પાપ નથી, એવો જન્મારો શા માટે?
હું મોતનું જીવન જીવું છું, બિસ્મિલની બોલી બોલું છું,
ને શબ જેવા આ દિલમાં યા રબ! આ ધબકારો, શા માટે?

કોઇ દોસ્ત મળે


હું એકલો  ફરૂં છું કે કોઇ દોસ્ત મળે,હવે જગતથી ડરૂં છું કે કોઇ દોસ્ત મળે.
 જનસમૂહની વચ્ચે કદી વિજન વાટે,બધે  શોધ કરૂં છું કે કોઇ દોસ્ત મળે.
મળે તો મારો કિનારો ગણી લઇશ એને,તૂફાનમાં હું તરૂં છું કે કોઇ દોસ્ત મળે.
જીવનની રાતમાં પડતી દશા જુએ મારી,સિતારા જેમ ખરૂં છું કે કોઇ દોસ્ત મળે.
બધાંની બંધ છે આંખોબધાંય ઊંઘે છે,હું સ્વપ્ન લઇને ફરૂં છું કે કોઇ દોસ્ત મળે.
કહે છે જેને બધા કેડી કલ્પનાઓની,કદમ હું ત્યાંય ધરૂં છું કે કોઇ દોસ્ત મળે.
કોઇ તો હાથ ધરેકોઇ તો ધરે પાલવ,હું અશ્રુ જેમ સરૂં છું કે કોઇ દોસ્ત મળે.
ચૂંટે નહીં તો ભલે માર્ગથી ઉપાડી લે,હું ફૂલ જેમ ખરૂં છું કે કોઇ દોસ્ત મળે.
 અંતકાળ  બગડે ખુદા કરે બેફામ,ઝૂરી ઝૂરીને મરૂં છું કે કોઇ દોસ્ત મળે.

Our Dream for our PM Manmohan Singh


PLEASE GOD, MAKE OUR PRIME MINISTER MANMOHAN SINGH LIKE THE ONE IN THIS DREAM MOVIE SO THAT INDIA SEES A CORRUPTION FREE BETTER TOMORROW FROM ...... MANMOHAN SINGHAM... :) 

Thursday, September 22, 2011

કહેવાય નહીં..


માણસ જેવો માણસ
કયારે ખરી જાય, કહેવાય નહીં.
આજે હયાત ભલે હોય
કાલે તસ્વીર બની જાય, કહેવાય નહીં.
સમયના આ સાગરમાં
કોણ તરી કે ડૂબી જાય, કહેવાય નહીં.
મનપાંચમના આ મેળામાં
કોણ કયારે ગમી જાય, કહેવાય નહીં.
સંબંધો આ જીવનમાં
કયારે ઉગી કે આથમી જાય, કહેવાય નહીં.
મૈત્રી છે મોંઘેરી મિરાત
કયારે મન મહેકાવી જાય, કહેવાય નહીં.
આવ્યા છીએ અહીં પણ
કયારે અલવિદા કરી જઇએ, કહેવાય નહીં.

Monday, September 19, 2011

"અછત રહી"

નયનની ભીનાશની હવે અમને આદત થઈ, ને હોઠોની હસી જમાનાથી દદૃને છુપાવતી રહી.
દીલની ધડકનને કેમ સમજાવું કે આરામ કરે, જોને આજ પણ તેના પર તારા નામની અસર રહી.
વરસો તો વહેતા ગયા પણ અમે તમને ભૂલી ન શક્યા, વસંત પણ આવીને હવે પાનખર થઈ.
આમતો ન હતી કમી અમને દોસ્તોની જીવનમાં, છતાં કેમ મને જીવન ભર તારી જ અછત રહી.

"સમયનો પવન"

ભૂલ મારી હતી ને થોડી જીદ તમારી પણ હતી, ને કદાચ સમયનો પવન એવો ફૂંકાયો હતો.
તમે પણ મારી જેમ થોડા જુઠ્ઠા પણ હતા, ને અમે તો હસીને જુઓ જમાનાને છેતરતા હતા.
બનીને યાદ તમે એવા આસપાસ હતા ને અમે જીવન ભર યાદોની ભીડમાં ખોવાયેલા હતા.
સાગરના તોફાની મોંઝાનો સહારો હતો, નહીતો સાહીલનો અમારા જીવનમાં ક્યાં કિનારો હતો.

દોસ્ત..

ક્યાંક આસપાસ અહી, મારો દોસ્ત હતો,
આ શહેર ને ક્યાં કોઈ, છેડો પણ હતો.

દિવસો, મહીના ને વરસો તો જતા હતા,
હે દોસ્ત, આજ પણ તારો અણસાર હતો.

જીવનનો કઠીન પથ, કાપવો બાકી હતો,
તારા અહેસાસનો સાથ, બસ હવે કાફી હતો.

સમયે પોતાનો ખેલ, કાંઈ એવો ખેલ્યો હતો,
વાંક તારો ન હતો, ને મારો પણ ન હતો.

અંતરે પણ સમયને, સાથ આપ્યો હતો,
આમ તો તું પાસ હતો, પણ ફાસલો હતો.

તારા ગયા પછી, હું સાવ એકલો હતો,
મારી મિલકતમાં, જુની યાદોનો કાફલો હતો.

Wednesday, September 14, 2011

Tu Mane Bhagwan Ek Vardan Aapi De

Tu Mane Bhagwan Ek Vardan Aapi De,
Jya vase chhe tu mane tya sthaan aapi de...



Karmo Karela Mujhne Nade Chhe

Karmo Karela Mujhne Nade Chhe,
Haiyu Hibka Bhari ne Rade Chhe..


Thursday, September 8, 2011

સાવ સીધી વાત છે


આશનો ઉત્પાત છે,
એ જ તો સંતાપ છે;
સાવ સીધી વાત છે.
આભ એક આભાસ છે,
ધરતી વાસ્તવવાદ છે;
સાવ સીધી વાત છે.
સૂર્યનું હોવું છે દિન,
ને ના હોવું- રાત છે;
સાવ સીધી વાત છે.
મદ ન કર ઉત્કર્ષનો,
ચડતી છે તો પાત છે;
સાવ સીધી વાત છે.
તું ફકત સંભાવના,
પંડ તો સાક્ષાત્ છે;
સાવ સીધી વાત છે.
તરસે-તડપે-ધગધગે,
નિશ્ચે ઝરમર-જાત છે;

સાવ સીધી વાત છે.
પ્રેમ છે શાશ્વત, સખા !
સમીર ઝંઝાવાત છે;
સાવ સીધી વાત છે.
**********
સથવારાનો સતત ભાવ, પ્રેમ-માં પર્યાપ્ત છે!
*****