સમતાથી દર્દ સહુ ,પ્રભુ એવું બળ દેજો,
મારી વિનંતી માનીને,મને એટલું બળ દેજો.
કોઈ ભવમાં બાંધેલા,મારા કર્મો જાગ્યા છે,
કાયાના દર્દ રૂપે,મને પીડવા લાગ્યા છે..(૨)
આ જ્ઞાન રહે તાજું, એવું સિંચન જળ દેજો....મારી....
દર્દોની આ પીડા સહેવાતી મટશે નહિ,
હું કલ્પાંત કરૂ તો પણ આ દુ:ખ તો ઘટશે નહિ...(૨)
દુર્ધ્યાન નથી કરવું ,એવું નિશ્ચય બળ દેજો....મારી...
આ કાયા અટકી છે,નથી થાતા તુજ દર્શન,
ના જઈ શકું સુણવાને ,ગુરુ ની વાણી પાવન...(૨)
જિનમંદિર જાવાનું ફરી ને અંજળ દેજો...મારી ...
નથી થાતી ધર્મ ક્રિયા,એનો રંજ ઘણો મનમાં,
દિલડું તો દોડે, પણ શક્તિ નથી તનમાં...(૨)
મારી હોંશ પુરી થાયે,એવા શુભ અવસર દેજો...મારી...
છોને આ દર્દો વધે,હું મોત નહિ માંગુ,
વળી છેલ્લા શ્વાસ સુધી,હું ધર્મ નહિ ત્યાગું...(૨)
રહે ભાવ સમાધિ નો ,એવી અંતિમ પળ દેજો...મારી...