Monday, March 5, 2012

Prabhu Cahrne Samarpit ~ Bhaav Yatra to Lord's Palace at Satrunjay Mahatirth Palitana

I had been thinking of making this since long & request you all to PLEASE TAKE OUT JUST 20 MINUTES & You shall be climbing roads to HEAVEN, SATRUNJAY MAHATIRTH PALITANA, in those 20minutes with darshan of everything coming on way. If you are unable to go for 6 gau Jatra there, it shall serve as BHAAV YATRA to Dada's Darbar.






વર્ષાકાળને બાદ કરતાં જૈનોના સૌથી મહાન તીર્થ શત્રુંજયની યાત્રા આઠ માસ દરમ્યાન નિયમિત રીતે થતી જ રહે છે અને ઓછીવત્તી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું આ તીર્થમાં આવાગમન થતું જ રહે છે. પણ વરસનાં કેટલાંક પર્વો એવાં છે, જેમાં શત્રુંજય તીર્થમાં હજારો લાખો યાત્રિકોનો મહેરામણ ઊમટી પડે છે.

ફાગણ સુદ તેરસ પણ આવું જ એક મહિમાવંત પર્વ છે. આ દિવસે દોઢ લાખથી વધુ યાત્રિકો ગિરિરાજની સ્પર્શના કરવા આવે છે. શત્રુંજય તીર્થ એ દેશ-વિદેશમાં વસતા જૈનોનું એક એવું શ્રદ્ધાતીર્થ છે, જેની તોલે અન્ય કોઈ જૈન તીર્થ આવી શકતું નથી.


દુનિયાના કોઈ પણ ખૂણે વસતા દરેક જૈનની એક ખ્વાહિશ હોય છે કે જીવનમાં એકવાર તો શત્રુંજય તીર્થની યાત્રા અવશ્ય કરવી. ફાગણ સુદ તેરસના દિવસે શત્રુંજયની છ ગાઉની વિશિષ્ટ પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ યાત્રામાં અંદાજે પંદર-સોળ કિલોમિટરનો વિકટ પંથ પગે ચાલીને કાપવાનો હોય છે. છ ગાઉના ઊબડખાબડ અને આકરા ચઢાવ-ઉતારવાળા માર્ગો છતાં આબાલવૃદ્ધો આ પંથ હસતા મુખે કાપે છે. સેંકડો સાધુ-સાધ્વીજીઓ સહિત હજારો શ્રાવક-શ્રાવિકાઓ આ દિવસે છ ગાઉની યાત્રા કરીને સિદ્ધવડ નામના સ્થળે પહોંચે છે. સિદ્ધવડ એ છ ગાઉની યાત્રાની સમાપ્તિનું સ્થળ છે. છ ગાઉની યાત્રાનો આરંભ ‘જય તલાટી’થી કરવામાં આવે છે. અહીં ભાવિકો ચૈત્યવંદન કરીને વિધિવત યાત્રાનો આરંભ કરે છે. ‘જય તલાટી’ એ પાલિતાણા ગામ તરફની આગળ તરફની તલાટી છે અને સિદ્ધવડ એ આદિપુર ગામ તરફની પાછળ બાજુની તલાટી છે. આ સ્થળે એક વિશાળ વટવૃક્ષ છે. આ વટવૃક્ષ નીચે ભૂતકાળમાં લાખો આત્માઓ સિદ્ધપદ પામ્યા હોવાથી એને સિદ્ધવડ કહે છે.

છ ગાઉની યાત્રાનો માર્ગ એ રીતનો છે કે એમાં શત્રુંજય તીર્થનાં સમગ્ર દેરાસરોને આવરી લેવાય તે રીતે પ્રદક્ષિણા કરાય છે. જૈનોમાં એવી રૂઢ માન્યતા છે કે ખુલ્લા પગે છ ગાઉની પ્રદક્ષિણા પૂર્ણ કરીને સિદ્ધવડ સુધી પહોંચનારા યાત્રિકો બહુ ઓછા ભવોમાં સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે. શ્રદ્ધાળુઓના અનુભવો તો એવા પણ છે કે સિદ્ધવડ નીચે બેસીને શત્રુંજય તીર્થની ઉપાસના કરવાથી વ્યક્તિઓની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.


સિદ્ધવડ જે ગામની સીમમાં આવેલું છે તે આદિપુર ગામનું નામ ભગવાન આદિનાથ ઉપરથી પડેલું છે. આદિનાથ ભગવાને જેટલી વાર શત્રુંજયની સ્પર્શના કરી એટલી વાર તેઓ આદિપુરવાળા રસ્તેથી પધાર્યા હતા. પાલિતાણા ગામની સ્થાપના પછી એ રસ્તાનું ચલણ બંધ પડી ગયું અને ‘જય તલાટી’વાળા રસ્તાનો મહિમા વધી ગયો. સલામતી, અનુકૂળતા અને સરળતાની દૃષ્ટિએ પણ આમ થવું સ્વાભાવિક છે.


છ ગાઉની યાત્રા દરમ્યાન આવતાં મહત્ત્વનાં સ્થળોમાં ચિલ્લણ તળાવડી (ચંદન તળાવડી નહીં), ભાડવો ડુંગર, અજિતનાથ-શાંતિનાથનાં પગલાં વગેરે મુખ્ય છે. આ દરેક સ્થળે દેરીઓમાં ચૈત્યવંદન, કાઉસ્સગ્ગ અને પંચાંગ-પ્રણિપાત કરવાનાં હોય છે.


એક રસપ્રદ બાબત એવી છે કે ચિલ્લણ તળાવડીના કિનારે શ્રદ્ધાળુ લોકો સૂઈ જવાની મુદ્રામાં કાઉસ્સગ્ગ કરે છે. આ સ્થળે લાખો મહાત્માઓ અણસણ (અનશન, ખાનપાનનો સદંતર ત્યાગ) કરીને સૂતેલી મુદ્રામાં મોક્ષ પામ્યા હોવાથી તેમની સ્મૃતિમાં આમ કરાય છે.


ભાડવા ડુંગર ઉપરની દેરીમાં શ્રદ્ધાથી ચૈત્યવંદન કરનારનાં એક લાખ ભવોનાં પાપો નાશ પામતાં હોવાનું પણ જૈન શ્રદ્ધાળુઓમાં મનાય છે. અજિતનાથ અને શાન્તિનાથનાં પગલાંવાળી દેરીઓની સન્મુખ જૈનોનું પ્રખ્યાત અજિતશાંતિ સ્તોત્ર રચાયું હોવાની અનુશ્રુતિ જૈનોમાં સેંકડો વરસોની પરંપરામાં સંભળાતી આવી છે. આ સ્તોત્રની રચના નંદીષેણ મુનિ નામના જૈનધર્મના ખ્યાતનામ મુનિએ કરી હતી. કથા એવી છે કે નંદીષેણ મુનિ શત્રુંજય તીર્થની સ્પર્શના કરતા કરતા પ્રદક્ષિણા કરી રહ્યા હતા એ દરમ્યાન આ દેરીઓની સમીપે આવ્યા અને ત્યાં તેમને પ્રભુની કાવ્યમય સ્તવના કરવાની ઇચ્છા થઈ. નંદીષેણ મુનિ પોતે બહુ સમર્થ કવિ હતા. એ વખતે અજિતનાથ અને શાંતિનાથની દેરીઓ આજે છે તેમ પાસે પાસે નહીં, પરંતુ સામસામે હતી. આથી નંદીષેણ મુનિને મૂંઝવણ થઈ કે સ્તવના કરવા બેસવું કઈ રીતે. એક દેરી સામે બેસે તો બીજી દેરી તરફ પીઠ આવે. જૈનો ભગવાન તરફ પીઠ કરતા નથી. આથી તેમણે બન્ને દેરીઓથી થોડા દૂર રહીને એક જ સ્તોત્ર દ્વારા બન્ને દેરીઓમાં રહેલા ભગવાનની સંયુક્ત સ્તવના કરી. કહેવાય છે કે નંદીષેણ મુનિની ભક્તિભરી સ્તવનાના પ્રતાપે સામસામે રહેલી દેરીઓ દૈવી પ્રભાવથી એક જ હરોળમાં આવી ગઈ. આ સ્તોત્ર અજિતશાંતિના નામે જૈનોમાં વ્યાપક પ્રસિદ્ધિ ધરાવે છે અને તે અત્યંત ચમત્કારી મનાય છે. જૈનોનાં નવ વિશિષ્ટ સ્મરણોમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે.


છ ગાઉની યાત્રા જ્યાં સમાપ્ત થાય છે તે સિદ્ધવડની છત્રછાયામાં ભારતભરનાં દાનવીર જૈનો દ્વારા સેંકડોની સંખ્યામાં માંડવા નાખવામાં આવે છે, જેને ‘પાલ’ તરીકે ઓળખવાનો રિવાજ છે. આ પાલમાં તમામ યાત્રિકોની અને ભારતભરમાંથી યાત્રાર્થે પધારેલા સાધુ-સાધ્વીજીઓની અત્યંત બહુમાન પૂર્વક ભક્તિ કરવામાં આવે છે.


જૂના યુગમાં ફાગણ સુદ તેરસને ‘ઢેબરાં તેરસ’ કહેતા હતા, કેમકે છ ગાઉના યાત્રિકોને દહીં અને ઢેબરાં વપરાવીને તેમની ભક્તિ કરાતી હતી. આધુનિક સમયમાં તો યાત્રિકો માટે સેંકડો પ્રકારનાં ભોજન તૈયાર કરાય છે. ઘણી વખત તો ફાગણ સુદ ૧૩ની યાત્રાના અવસરે સમગ્ર યાત્રિકોનાં ચરણ પખાળીને તેમનું સંઘપૂજન પણ કરવામાં આવે છે.


ખૂબીની વાત એ છે કે પાલિતાણાની આસપાસનાં ગામોમાંથી હજારો જૈનેતરો પણ છ ગાઉની યાત્રામાં જોડાય છે અને તેમની પણ ભક્તિ જૈનોની જેમ જ ભેદભાવ વગર કરવામાં આવે છે.


જૂના યુગમાં તો શત્રુંજય તીર્થની બાર ગાઉની અતિવિકટ ગણાતી પ્રદક્ષિણા કરવાનો પણ રિવાજ હતો, પરંતુ શત્રુંજયી નદી ઉપર ડેમ બંધાતાં બાર ગાઉનો સમગ્ર યાત્રાપથ ડૂબમાં જવાથી હવે તે યાત્રા બંધ પડી છે. પરંતુ છ ગાઉની યાત્રાનો મહિમા તો દર વરસે વધતો જ જાય છે. અગાઉ ત્રીસેક હજાર જૈનો છ ગાઉની યાત્રા કરતા હતા, અત્યારે આ આંકડો દોઢ લાખની સંખ્યાને વટાવી ગયો છે.

I hope you shall be reaching in DADA's PALACE ATOP SATRUNJAY BY THIS VIDEO & YOUR BHAAV's