જુઠી શાન ને મોભા ખાતર,
રીવાજોના બંધન ખાતર,
સમાજના દબાવ ખાતર,
મન માની એ કરાવી ગયો.
કોણ કહે… એ પરાયો હતો , આપણામાંનો માણસ હતો.
નારી વિકાસની વાતો કરતો,
સ્ત્રી ને ઘરની લક્ષ્મી ગણતો,
ટાણે પ્રસંગે સનમાન કરતો,
કુખે ખંજર ભોંકાવી ગયો.
કોણ કહે …એ પરાયો હતો , આપણામાંનો માણસ હતો.
વોટ લેવા તરકીબો રચી ને,
સેવક તણું મહોરું પહેરી ને,
વિકાસ કેરા વાયદા કરી ને,
દેશની દોલત લૂંટાવી ગયો.
કોણ કહે… એ પરાયો હતો , આપણામાંનો માણસ હતો.
મજહબી મુદ્દો આગળ ધરી,
ધરમને નામે જેહાદ કરી,
માણસ,માણસનો બની વેરી,
આંતકવાદ ફેલાવી ગયો.
કોણ કહે… એ પરાયો હતો , આપણામાંનો માણસ હતો.
સજ્જનતાનો ડહોળ કરીને,
કુટુંબ સંગાથે સુમેળ કરીને,
કુમળી વયનું નિકંદન કરીને,
માસુમિયત મુરઝાવી ગયો.
કોણ કહે… એ પરાયો હતો , આપણામાંનો માણસ હતો.
અંધશ્રધ્ધાનો લાભ ઉઠાવી,
ઈશ્વર ને પણ ખોટો ઠરાવી,
પોતાને એ સર્વોચ્ચ મનાવી,
અઢળક નાણા પડાવી ગયો.
કોણ કહે… એ પરાયો હતો , આપણામાંનો માણસ હતો.