Tuesday, June 19, 2012

હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?


તને ભીંજવીને કરે તરબતર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
પડે તો ગજાથી વધુ માતબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
સમયસારણીથી ઉનાળો પ્રજાળે, સ્મરણ રાત-દિ મન ચહે ત્યારે બાળે,
બધું ઠારી દઈને કરે બેઅસર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
મને સૂર્ય બાળે ને વાદળ બનાવે, પવન તારી શેરી સુધી લાવી ઠારે,
ટીપુ થઈ પલાળે તને, તારું ઘર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
કશુંક ક્યાંક કાયમ રહી જાય કોરું, ખૂણાખાંચરાઓ ચહે એક ફોરું,
પરંતુ કણેકણની રાખે ખબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
સદાથી, કદીથી, અટલથી, યદિથી, મને ભીંજવે જે ક્ષણોથી, સદીથી,
વળોટી રહે કાળની સૌ સફર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
હવે એ પડે છે તો છત્રી બનીને યા ટોપી કે જેકેટ, ગમશુઝ બનીને,
પડે તો બધા આવરણની વગર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ??

1 comment: