Showing posts with label Parents. Show all posts
Showing posts with label Parents. Show all posts

Tuesday, November 29, 2011

મા


દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે.
દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.

સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ,
મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે.

આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં,
મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.

ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે,
મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફર્શ રાખે છે.

જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,
મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.

Wednesday, November 16, 2011

માતા-પિતાની છત્રછાયા


હયાત માતા-પિતાની છત્રછાયામાં,
વ્હાલપનમાં બે વેણ બોલીને, નિરખી લેજો,
હોઠ અડધા બિડાય ગયા પછી,
ગંગાજળ મૂકીને શું કરશો?
અંતરના આશીર્વાદ આપનારને,
સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો,
હયાતી નહી હોય ત્યારે નત મસ્તકે,
છબીને નમન કરીને શું કરશો?
કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે,
પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહીં ફરે,
લાખ કરશો ઉપાય તે વાત્સલ લ્હાવો નહીં મળે,
પછી દિવાનખંડમાં તસવીર મૂકીને શું કરશો?
માતા-પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે,
અડસઠ તિરથ તેના ચરણોમાં બીજા તિરથ ના ફરશો,
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં,
પછી કિનારે છીપલાં વીણીને શું કરશો?
હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો,
પાનખરમાં વસંત આવે, એવો વ્યવહાર રાખજો,
પંચભૂતમાં ભળી ગયા પછી આ દેહના,
અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો?
શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો,
હેતથી હાથ પકડીને ક્યારેક તીર્થ સાથે કરજો,
માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સનાતન સત્ય છે,
પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો?
પૈસા ખર્ચતા સઘળું મળશે, મા-બાપ નહીં મળે,
ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો,
પ્રેમથી હાથ ફેરવીને ‘બકા‘ કહેનાર નહીં મળે,
પછી ઉછીનો પ્રેમ લઈને, આંસું સારીને શું કરશો?