Friday, January 27, 2012

સમતાથી દર્દ સહુ ,પ્રભુ એવું બળ દેજો..


સમતાથી દર્દ સહુ ,પ્રભુ એવું બળ દેજો,
મારી વિનંતી માનીને,મને એટલું બળ દેજો.

કોઈ ભવમાં બાંધેલા,મારા કર્મો જાગ્યા છે,
કાયાના દર્દ રૂપે,મને પીડવા લાગ્યા છે..(૨)
આ જ્ઞાન રહે તાજુંએવું સિંચન જળ દેજો....મારી....

દર્દોની આ પીડા સહેવાતી મટશે નહિ,
હું કલ્પાંત કરૂ તો પણ આ દુ:ખ તો ઘટશે નહિ...(૨)
દુર્ધ્યાન નથી કરવું ,એવું નિશ્ચય બળ દેજો....મારી...

આ કાયા અટકી છે,નથી થાતા તુજ દર્શન,
ના જઈ શકું સુણવાને ,ગુરુ ની વાણી પાવન...(૨)
જિનમંદિર જાવાનું ફરી ને અંજળ દેજો...મારી ...

નથી થાતી ધર્મ ક્રિયા,એનો રંજ  ઘણો મનમાં,
દિલડું તો દોડેપણ શક્તિ નથી તનમાં...(૨)
મારી હોંશ પુરી થાયે,એવા શુભ અવસર દેજો...મારી...

છોને આ દર્દો વધે,હું મોત નહિ માંગુ,
વળી છેલ્લા શ્વાસ સુધી,હું ધર્મ નહિ ત્યાગું...(૨) 
રહે ભાવ સમાધિ નો ,એવી અંતિમ પળ દેજો...મારી...

Saturday, January 21, 2012

રૂડા રાજ મહેલ ને ત્યાગી,પેલા ચાલ્યા રે જાય વૈરાગી..

Amazing Stavan... Just love this video & lyrics.. It just touches the Soul :)



રૂડા રાજ મહેલ ને ત્યાગી,પેલા ચાલ્યા રે જાય વૈરાગી,
એનો આતમ ઉઠ્યો જાગી,પેલા ચાલ્યા રે જાય વૈરાગી...

નથી કોઈ એની સંગાથે,
નીચે ધરતી ને આભ છે માથે,
એતો નીકળ્યો ખાલી હાથે,પેલા ચાલ્યા રે જાય વૈરાગી,

એણે મૂકી આ જાગત ની માયા,
એની યુવાન છે હજુ કાયા,
એણે મુક્તિમાં દીઠો ચાર,પેલા ચાલ્યા રે જાય વૈરાગી,

એને સંયમની તલપ જે લાગી,
એનો આતમ બન્યો મોક્ષ ગામી,
ભવો ભવની ભ્રમણા ભાંગી,પેલા ચાલ્યા રે જાય વૈરાગી,

હવે રસ્તો બદલ ઓ દિલ, કે એનું ઘર નહીં મળશે


હવે રસ્તો બદલ ઓ દિલ, કે એનું ઘર નહીં મળશે;
અને મળશે તો પહેલાના સમો આદર નહીં મળશે.

નહિ મળશે કોઈ પ્રેમાળ મારા જેટલો તમને,
મને કોઈ તમારા જેટલાં સુંદર નહીં મળશે.

ચૂંટી લીધા છે એણે એટલે તો ખાસ ભક્તોને;
એ સૌનો છે ભલે, પણ સૌને કઈ ઈશ્વર નહીં મળશે.

હજારો એમ તો ઠોકર રૂપે મળવાના રસ્તામાં,
જો ઘર ચણવું હશે તો એક પણ પથ્થર નહીં મળે.

જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે,
સદા માટે સુવાનું છે છતાં બિસ્તર નહીં મળશે.

અલગ રીતે હવે ઓ જીવ દુનિયાથી જુદા પડીએ


અલગ રીતે હવે ઓ જીવ દુનિયાથી જુદા પડીએ,
હ્રદયમાં કોઇને રાખી અમારાથી જુદા પડીએ.

આ ઝાકળ થઇને ફૂલે મ્હાલવું શું બે ઘડી માટે?
બને તો ચાલને આવા અભરખાથી જુદા પડીએ.

મને ટોક્યો નહીં,વાર્યો નહીં ને જાતમાં રાખ્યો,
ખુશામતખોર આ દર્પણની ઘટનાથી જુદા પડીએ.

કોઇ રોકાઇ જા બોલે,કોઇ ખેંચાઇ જા બોલે,
હવે આ મન હ્રદયનાં બેઉ રસ્તાથી જુદા પડીએ.

આ ભરતી ઓટ જોયા પણ હવે કરનાર જોવો છે,
અમારો જીવ જળમાં છે શું દરિયાથી જુદા પડીએ?

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને


પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને

Friday, January 20, 2012

એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે જ હોઈશું...


Dedicated to All my Friends who are & shall always remain close to Heart whatever happens in between us. I hope that they do find time to read & feel the same in their pretty busy schedules..

છેલ્લે તો આપણે જ હોઈશું…

ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ,

એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે જ હોઈશું.

હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,

એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે જ હોઈશું.

આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તી પણ પાંખી થશે,

ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે જ હોઈશું.

‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ’,

એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે જ હોઈશું.


સાથ જ્યારે છુટી જશે, વીદાયની ઘડી આવી જશે,

ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે જ હોઈશું.

લાગણી આપી રહ્યો છું દાનમાં..


એક ટહુકો પામવા અહેસાનમાં,

લાગણી આપી રહ્યો છું દાનમાં.

આભથી ધરતી લગી એ વિસ્તરી,

વાત કહેવાની હતી જે કાનમાં.

ફૂલદાનીનો હશે મોભો કબૂલ,

ફૂલની શોભાય છે વેરાનમાં.

કેટલા પયગંબરો આવી ગયા,

કાં ફરક પડતો નથી ઇન્સાનમાં ?

જ્યાં કિનારાની અભિલાષા કરી,

નાવ સપડાઇ ગઇ તોફાનમાં.

શબ્દ સાથે હાથ મેળવવો હતો,

આ ગઝલ તેના અનુસંધાનમાં.

Saturday, December 31, 2011

સંબંધો ખીલવા ન દે તે ભય અને કરમાવા ન દે તે પ્રેમ...


સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી. સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી. આપણે સહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ. સંબંધો જ માણસને માણસ સાથે જૉડી અને જકડી રાખે છે.

દરેક સંબંધો જુદા જુદા હોય છે. કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે. દરેક સંબંધોની એક સીમા હોય છે. દરેક લોકો માટે આપણે અલગ અલગ વર્તુળો દોરી રાખ્યાં હોય છે અને કોને કયાં સુધી આવવા દેવો તે આપણે નક્કી કરી રાખ્યું હોય છે.

આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યકત થાય છે. આ વર્તનમાં જ આપણાં સંસ્કારો અને સંસ્કòતિ છતાં થાય છે. તમે તમારા લોકો સાથે કેવી રીતે રહો છો તેના પરથી જ તમારા સારા-નરસા કે લાયક-નાલાયકની છાપ ખડી થતી હોય છે. આ છાપ જ પછી માણસની ઓળખ બની જાય છે. એટલે જ આપણે ઘણી વખત કોઈની વાત નીકળે ત્યારે એવો સવાલ કરીએ છીએ કે, એ કેવો માણસ છે?

સંબંધો માણસની જરૂરિયાત છે. સંબંધો બંધાતા રહે છે. સંબંધો તૂટતા પણ રહે છે. સંબંધો દૂર પણ જતા રહે છે. સંબંધો સરળ નથી. સંબંધો જાળવવામાં આવડત અને કુનેહની જરૂર પડે છે. કેટલા સંબંધો કાયમી ટકે છે? સંબંધો કેવા રહે છે તે બે વ્યકિત ઉપર નિર્ભર કરે છે. સાથોસાથ એ વાત પણ સનાતન સત્ય છે કે એક વ્યકિતના સંબંધ બીજી વ્યકિત પર સીધી અસર કરે છે. સંબંધોની સાર્થકતા એ આજની સૌથી મોટી જરૂરિયાત છે. માણસ સંબંધો ગુમાવતો જાય છે.

સંબંધો બહુ નાજુક છે. સંબંધો પારા જેવા છે, ખબર ન પડે તેમ સરકી જાય છે અને વેરાઈ પણ જાય છે. છતાં માણસનું ગૌરવ એમાં જ છતું થાય છે કે એ સંબંધોના અપ-ડાઉન વખતે કેવું વર્તન કરે છે. તમે કેવી રીતે મળો છો તેના કરતાં પણ કેવી રીતે છૂટા પડો છો તેના પરથી જ તમારા સંબંધોના ગૌરવ અને ગરિમાની સાબિતી મળે છે. સંબંધોમાં હળવાશ હોવી જૉઈએ. તમારા રિલેશનનું સ્ટાન્ડર્ડ કેવું છે?

માણસ આખી દુનિયાને સારું લગાડતો ફરે છે પણ પોતાના લોકોને જ પ્રેમ કરી શકતો નથી. આખી દુનિયાને માફ કરવી સહેલી છે પણ પોતાની વ્યકિતનું જતું કરવામાં જિગર જૉઈએ. આપણે આપણા સંબંધોને કયારેય નજીકથી નિહાળીએ છીએ? આપણા લોકોની કદર આપણે કરી શકીએ છીએ? તમારા સંબંધોને સજીવન રાખો. કોઈ સંબંધ સુકાઈ જતો લાગે તો સ્નેહ સીંચીને તાજા કરી લો. આપણે ચે જતાં જઈએ તેમ સાથે હોય એ દૂર તો થઈ જતાં નથી ને? ઘર એક વ્યકિતથી બનતું નથી, પોતાના લોકોથી બને છે. સમાજ સંબંધોનું જ મોટું સ્વરૂપ છે અને સંબંધોની મીઠાશમાંથી જ સુખનો સ્વાદ આવે છે. પોતાના લોકોને દૂર થવા નહીં દો તો કયારેય એકલતા લાગશે નહીં.

ખીલવા ન દે તે ભય અને કરમાવા ન દે તે પ્રેમ.

હૃદયમાં જ તારા પ્રથમ તું નીરખને !

Amazing poem with a very deep meaning:

હૃદયમાં જ તારા પ્રથમ તું નીરખને !
પછી દસ દિશામાં પરમ તું નીરખને !

અગમ તું નીરખને ! નિગમ તું નીરખને !
દ્યુતિની ઝલક ચારેગમ તું નીરખને !

મળ્યો છે તને તે ધરમ તું નીરખને !
આ કાગળ, આ ખડિયો, કલમ તું નીરખને !

હવે ક્ષણનું છેટું એ અપરાધ તારો;
આ લીલા અકળ એકદમ તું નીરખને !

છે પીડાના સણકા હજી કષ્ટપ્રદ, પણ
રુઝાઈ રહેલા જખમ તું નીરખને !

છે તરણાં સમા અન્યના દોષ કિન્તુ,
શિલા જેવું તારું અહમ તું નીરખને !

અટકશે કશું પણ ન તારા વિના યે;
ગતિનો સનાતન નિયમ તું નીરખને !

Tuesday, December 27, 2011

સ્તુતિઓ: સમાધિ રસ - ઝરણાં

કેવા કર્યા મેં ઘોર પાપો,સ્મરણ કરતા થરથરું,
સત્કાર્ય જે સવિ જીવનાં,અનુમોદના હરખે કરું,
હે નાથ! તારા ચરણનું બહુ ભાવથી શરણું વરુ,
શરણ આપો શરણ આપો,પડી ચરણમાં કરગરું...(૧)

મન વચન ને કાયના તે ત્રિવિધ યોગોથી પ્રભુ !
કીધાં -કરાવ્યાંને વખાણ્યાં પાપમેં બહુ જે વિભુ !
તેહ સઘળાં થાઓ મિથ્યા એહ તુજને વિનવું,
ફરી થાય નહિ તે પાપબુદ્ધી ભાવના ઉરમાં ધરું....(૨)

જ્ઞાન - દર્શન - ચરણરૂપી રત્નત્રય ઉજ્જવળાં,
ક્યારે કદાપી પાળીયા કે ખીલવી સંયમકળા,
તેવા સવિ શુભ કર્મ જે મેં નાનકાં પણ આદર્યા,
સારું કર્યું સુંદર કર્યું,ભાવે કરું અનુમોદના...(૩)

અરિહંતનું આર્હન્ત્ય ને વળી સિદ્ધપણું જે સિદ્ધનું,
આચાર તો સુરિદેવનો વાચક કને શાસ્ત્રો ભણું,
તપ - ત્યાગ સહ જે ઓપતું સંયમ રૂડું મુનિવર તણું,
અહો ! અહો ! કેવું અનુપમ,એમ મનમાં ગણગણું...(૪)

ત્રણ જગતના હે નાથ ! મુજને તુજ તણું શરણું હજો,
તુજ થકી જે ભવ તર્યા તે સિદ્ધનું શરણું હજો,
તુજ માર્ગને આરાધતા ,મુનિવરતણું શરણું હજો,
વળી તુજ પ્રરૂપિત ધર્મ જે, તે ધર્મનું શરણું હજો...(૫)

હું ખમાવું ભાવથી સવિ જીવને જગ - દેવતા !
સવિ જીવ મુજને માફ કરજો,મેં કર્યા છે બહુ ગુના,
ચરણ પકડીને પ્રભુના બાળ કરતો પ્રાર્થના,
મુજ ચિત્તમાં વહેતા રહો મૈત્રીતણાં ઝરણાં સદા...(૬)

નિર્ભાગીયો ભટકી રહ્યો ભવકાનને હું એકલો,
મારું નથી અહી કોઈને હું પણ નથી પ્રભુ! કોઈનો,
તો પણ નથી પ્રભુ ! દીનતા,હું મસ્તીમાં મહાલી રહ્યો,
તુજ ચરણ કેરા શરણનો મહિમા વિભુ ! આ જોઈ લો...(૭)

તારી કૃપાનાં ફળ સ્વરૂપે મુક્તિ જ્યાં લાગી નાં મળે,
ત્યાં લગી તારા ચરણની છાયા કદીયે ના ટળે,
માળી બની મુજ બાગને તું સિંચજે કરુણાજળે,
જેથી કરીને આત્મભૂમિએ બીજ બોધિતણું  ફળે...(૮)