Tuesday, August 30, 2011

સહુને મિચ્છામિ દુક્કડમ…


આ બધાં મનદુ:ખ અને આ આપસના મતભેદ,
એક જ પળમાં ચાલો કરીએ બધી ભૂલોનો છેદ,
અંતરમનથી શાતા રાખી, કહીએ ચોગરદમ,
મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ,
મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ…
સવંત્સરીનો રૂડો અવસર આવ્યો આંગણિયે,
ભૂતકાળને ભૂલી જઈ સૌ હળીએ ને ભળીએ,
પ્રતિક્રમણની પળો થકી થઈ મીઠા મનભાવન,
માનવતા મહેકાવી કરીએ સંબંધો પાવન,
તીર્થંકરોને સ્મરીને  થઈએ હવે તો ચંદનસમ,
મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ…
મહામંત્ર નવકારની સંગે મળ્યો અહિંસા બોધ,
જીવ જીવને સુખ આપીને જીવમાં ઈશ્વર શોધ,
વેર નહીં કોઈ દ્વેષ નહીં ને મનમાં કરુણાભાવ,
જગ આખું જિન શાસનનું હો ગીત સુખેથી ગાવ,
સત્ય, ધર્મ ને પ્રેમની બારેમાસ રહે મોસમ,
મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ…

1 comment:

  1. મિચ્છામિ દુક્કડમ bhai .......superb write up .....Awesome is the word

    ReplyDelete