Thursday, August 18, 2011

લૉગ-ઑન...


નરને નારાયણ એટલે ક્લાયન્ટ ને સર્વર :
જોડાણોની દુનિયા,
જન્મ-મરણ એ સાવ સરળ :
લૉગ-ઑન ને લૉગ-ઑફ થવાની ઘટના !

‘ઊંવા…ઊંવા’ ને ‘રામ બોલો ભાઈ રામ’
એ વિન્ડોઝના ડિફોલ્ટ સાઉન્ડ છે :
સેશન શરૂ ને પૂરું કર્યાના એ પાકા સિગ્નેચર ટ્યુન છે,
‘ઊંવા…ઊંવા’ તો સહુને સહજ,
પણ ‘હે રામ’ તો કોઈ વીરલો જ બોલે !
ને ત્યારે ‘ત્ર્યંબકમ યજામહે…’નો અર્થ કાનમાં ગૂંજે !

લૉગ-ઑન તો થઈ ગ્યા જાણે પણ લોગ-ઑફ થવાનું ના ગમતું,
મલ્ટી-ટાસ્કના આટાપાટમાં, હેન્ગ થવાનું બનતું !
રેમ થોડી ને ટાસ્ક ઝાઝા, રાત થોડી ને વેશ ઝાઝા !
ચળકાટિયા ગ્રાફિક્સની ગેમમાં મનના પ્રોસેસરે મૂકી છે માઝા !
ના છૂટકે એ ‘એન્ડ ટાસ્ક’ કરે ને મેમરી કરપ્ટ થાય,
‘સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશો…’ ગીતાનો શ્લોક પછી સમજાય.

હાર્ડ-ડિસ્કમાં કચરા જેવી ફાઈલો સંઘરી રાખે,
રાગ-દ્વેષ ને વેર-ઝેરના ઝિપ ફોલ્ડર બાંધી રાખે !
સંબંધોના સથવારાના મેઈન્ટેનન્સના નામે મીંડું,
મરઘીને મારી નાખી રોવે : ‘સાવ નીકળ્યું એક જ ઈંડું !’

નર-નારાયણ : સર્વર કનેક્શનને ભૂલ્યો, ને ભૂલ્યો પ્રોટોકોલ,
ઈશ્વરની સાક્ષીએ કહું છું : હવે તો અંતરની વિન્ડોઝ ખોલ !

No comments:

Post a Comment