Monday, August 6, 2012

સુવર્ણકમલસ્થિત પદ્માસનસ્થ તીર્થંકર-શ્રમણ ભગવાન મહાવીર

સુવર્ણકમલસ્થિત પદ્માસનસ્થ તીર્થંકર-શ્રમણ ભગવાન મહાવીર


જૈન ધર્મે અસંખ્ય વર્ષોની ગણતરીનો `ઉત્સર્પિણી' નામનો અને એ પૂરો થતાં એ જ માપનો `અવસર્પિણી' નામનો એક મહાકાળ દર્શાવ્યો છે. આ મહાકાળમાં ભારતની ભૂમિ પર યથાકાળે ૨૪ તીર્થંકરો જન્મે છે. તેઓ અહિંસા, સંયમ અને તપની ઉત્કટ સાધના વડે પોતાના આત્માની સંપૂર્ણ શુદ્ધિ કરીને સર્વગુણસંપન્ન પરમાત્મપદને પામે છે. જૈનો તેમને `ઈશ્વર' તરીકે પૂજે છે. તેઓ સર્વજ્ઞ (ત્રિકાળજ્ઞાની), અન્તિમ કોટિના ચારિત્રવાન્ અને સંપૂર્ણ વીતરાગદશાને વરેલા હોય છે. આવા તીર્થંકર-દેવો લોકોને તારનારા ધર્મતીર્થની સ્થાપના કરે 
છે અને તેથી તે તીર્થંકર કહેવાય છે. તેઓ પ્રતિદિન હજારો મનુષ્યોને ધર્મની દેશના આપી તેમને આત્મકલ્યાણનો માર્ગ દર્શાવે છે, પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં સકલ કર્મનો ક્ષય કરી શીઘ્ર મુક્તિ (-મોક્ષ-સિદ્ધિ) સ્થાને પહોંચી જાય છે અને પોતાના જીવનનું અન્તિમ સાધ્ય સિદ્ધ કરે છે. મોક્ષપ્રાપ્તિ થયા પછી તેઓને આ સંસારમાં જન્મ લેવાનો રહેતો નથી. સર્વ દુઃખથી મુક્ત બનેલા તેઓ ત્યાં અક્ષય, અનંત એવા આધ્યાત્મિક સુખનો સર્વોત્તમ આનંદ ભોગવે છે. રાગ-દ્વેષના વિજેતા પરમાત્માને જૈનો તીર્થંકર, અર્હત્, અરિહંત, વીતરાગ, જિન વગેરે નામથી ઓળખાવે છે.

આ ચિત્ર આ કાળના અંતિમ-૨૪ માં તીર્થંકર ભગવાન શ્રી મહાવીરનું છે. તેઓશ્રી વર્ધમાન, દેવાર્ય, જ્ઞાતનંદન આદિ નામોથી પણ ઓળખાય છે.

-સમીર દોશી

No comments:

Post a Comment