Friday, August 10, 2012

રાણી ત્રિશલા ક્ષત્રિયાણીને ચૌદ મહાસ્વપ્નોનું દર્શન



ત્રિશલાના ગર્ભાશયમાં ભગવાનનો ગર્ભ સ્થાપિત થયા બાદ ગર્ભના પુણ્યપ્રભાવે અખિલ વિશ્વનાં નારીવૃંદમાં મૂર્ધન્યપદને પામેલાં તન્દ્રાગ્રસ્ત મહાપુણ્યવતી રાણી ત્રિશલા મધ્યરાત્રિએ (૧) સિંહ, (૨) હાથી, (૩) વૃષભ, (૪) લક્ષ્મીદેવી, (૫) પુષ્પમાળાયુગલ, (૬) ચંદ્ર, (૭) સૂર્ય, (૮) ધ્વજ, (૯) રૌપ્યમય કુંભ, (૧૦) પદ્મસરોવર, (૧૧) ક્ષીરસાગર, (૧૨) દેવવિમાન, (૧૩) રત્નરાશિ તથા (૧૪) નિર્ધૂમ અગ્નિ - એમ ચૌદ પ્રશસ્ત મહાસ્વપ્નોને જુએ છે, અને પોતાના પતિ સિદ્ધાર્થને જણાવીને તેનું ફળ પૂછે છે. સિદ્ધાર્થે પોતે અને સ્વપ્નલક્ષણ પાઠકોએ તેનું ફળ જણાવતાં કહ્યું કે `તમો એવા મહાન પુત્રરત્નને જન્મ આપશો કે જે સર્વગુણો અને લક્ષણોથી સંપન્ન, સર્વાંગસુંદર, મહાજ્ઞાની અને વીર હશે, તથા ભવિષ્યમાં તે તીર્થંકરપદને મેળવશે.' રાણી ત્રિશલા એ વાસિષ્ઠગોત્રીયા ક્ષત્રિયાણી હતાં. વળી પૂર્વ દિશામાં આવેલા ગણસત્તાધારી વિદેહદેશની રાજધાની વૈશાલીના ગણતંત્રાધીશ નૃપતિ ચેટકની તે ભગિની થતાં હતાં. અન્તિમ ધર્મચક્રવર્તી કરુણામૂર્તિ પોતાની કુક્ષિમાં પધારતાં માતા ત્રિશલા ધન્ય બન્યાં, જીવન કૃતકૃત્ય થયું અને એક કવીશ્વરના શબ્દોમાં કહીએ તો તેઓ `વિશ્વમાતા' બન્યાં.

-સમીર દોશી

No comments:

Post a Comment