Thursday, August 9, 2012

શ્રી દેવાનંદાનું સ્વપ્નકથન અને શક્રેન્દ્રનો હરિ-ણૈગમેષી દેવને આદેશ

શ્રી દેવાનંદાનું સ્વપ્નકથન અને શક્રેન્દ્રનો હરિ-ણૈગમેષી દેવને આદેશ


ઉપરનું ચિત્ર : તીર્થંકરો જેવી સર્વોચ્ચ, લોકોત્તર વ્યક્તિઓ માટે સામાન્ય નિયમ એવો છે કે તેઓ અન્તિમ ભવમાં ઉચ્ચ ગણાતા ક્ષત્રિયાદિ જાતિ-કુલ-વંશમાં જ જન્મ લે, નહિ કે શૂદ્રાદિ જાતિ-કુલ-વંશમાં. પણ શ્રી મહાવીર માટે આ નિયમથી વિરુદ્ધ ઘટના બની અને આષાઢ સુદિ છઠ્ઠના દિવસે, લાખો વરસ પૂર્વે કરેલા કુલાભિમાનના કારણે તેઓ ભિક્ષુક બ્રાહ્મણકુલમાં ગર્ભપણે અવતર્યા. પહેલા દેવલોકના ઇન્દ્ર સૌધર્મ અવધિજ્ઞાનથી આ અઘટિત ઘટનાને જોતાં ચોંકી ઊઠ્યા, અને ત્યાં જન્મ ન થાય તે માટે ક્ષત્રિયકુલનું યોગ્ય સ્થાન નક્કી કરી તુરંત જ હરિ-ણૈગમેષી દેવને બોલાવી ગર્ભપરાવર્તનનો આદેશ આપતાં કહ્યું કે, "તું શીઘ્ર બ્રાહ્મણકુંડનગરમાં જા અને દેવાનંદાની કુક્ષિમાંથી ભગવાનના ગર્ભને લઈ, ઉત્તર ક્ષત્રિયકુંડ નગરમાં રહેલી રાજા સિદ્ધાર્થની ક્ષત્રિયાણી રાણી ત્રિશલાના ગર્ભમાં સ્થાપન કર અને ત્રિશલાના ગર્ભને લઈ દેવાનંદાની કુક્ષિમાં મૂકી આવ."


નીચેનું ચિત્ર : તીર્થંકર જેવા મહાન આત્માઓ જે પુણ્યવતી મહિલાના ગર્ભમાં આવે તે મહિલા ગર્ભના પ્રભાવે સર્વોત્તમ ગણાતા સિંહ, હાથી વગેરે ચૌદ મહાસ્વપ્નોને જુએ, એ નિયમાનુસાર ભગવાનની પ્રથમ માતા દેવાનંદાએ તન્દ્રાવસ્થામાં પ્રશસ્ત, મંગલકારક ચૌદ સ્વપ્નોને જોયાં અને પછી જાગ્યાં અને તુરંત જ પોતાના વિદ્વાન પતિ ઋષભદત્તને જણાવ્યાં અને તેમણે કહ્યું કે, "હે દેવાનુપ્રિયા! તું સર્વગુણ-લક્ષણસંપન્ન અદ્ભુત પુત્રરત્નને જન્મ આપીશ."

-સમીર દોશી

No comments:

Post a Comment