સંસાર ઘોર અપાર છે તેમાં ડૂબેલા ભવ્યને,
હે તાર નારા નાથ શું ભૂલી ગયા નિજ ભક્તને?
મારે શરણ છે આપનું નવિ ચાહતો હું અન્યને,
તો પણ પ્રભુ મને તારવામાં ઢીલ કરો શા કારણે?
સ્વાર્થ ભર્યા સંસારમાં કાંઈ સાર દેખાતો નથી,
તારા શરણ વિના હવે ઉદ્ધાર સમજાતો નથી,
અસહાય મારો આતમા રખડી રહ્યો અંધકારમાં,
સ્વીકારજે ઓ નાથ મુજને,આવ્યો છું તુજ દરબારમાં...
પ્રશ્નો પૂછું છું કેટલા ઉત્તર મને મળતા નથી,
દીધેલ કોલ ભૂલી ગયા જાણે જૂની ઓળખ નથી,
દાદા થઇ બેસી ગયા હવે દાદ પણ દેતા નથી,
આવી ઉભો તારે દ્વાર પણ આવકાર મુજ દેતા નથી...
શું કર્મો કેરો દોષ છે અથવા શું મારો દોષ છે?
શું ભવ્યતા નથી માહરી? હતકાળનો શું દોષ છે?
અથવા શું માહરી ભક્તિ નિશ્ચે આપમાં પ્રગટી નથી?
જેથી પરમપદ માંગતા પણ દાસ ને દેતા નથી...
ભોગો તણી ભૂખ પુષ્ટ કરવા નાથ! તુજને હું ભજું,
તન મન વચનથી નાથ! પ્રીતિ પાપની હું નાં તજું,
દુર્જન ઘણો દિલથી છતાં પણ વેશ સજ્જનનો ધરું,
હૈયે ધર્યા વિણ નાથ! તુજને ભાવ થકી હું શે તરું ?
ક્યારે પ્રભુ ! તુજ સ્મરણથી આંખો થકી આંસુ ઝરે?
ક્યારે પ્રભુ ! તુંજ નામ જપતાં વાણી મુજ ગદગદ બને?
ક્યારે પ્રભુ ! તુજ વાણી સુણતા દેહ રોમાંચિત બને?
ક્યારે પ્રભુ ! મુજ શ્વાસે શ્વાસે નામ તારું સાંભરે?
ક્યારે પ્રભુ ! ષટ્કાય જીવના વધ થકી હું વિરમું?
ક્યારે પ્રભુ ! રત્નત્રયી આરાધવા ઉજ્જવળ બનું?
ક્યારે પ્રભુ ! મદમાન મૂકી સમતા રસમાં લીન બનું?
ક્યારે પ્રભુ ! તુજ ભક્તિ પામી મુક્તિગામી હું બનું?
વૈરાગ્યના રંગો સજી ક્યારે પ્રભુ સંયમ ગ્રહું?
સદગુરુના ચરણે રહી સ્વાધ્યાયનું ગુંજન કરું,
સવિ જીવને દઈ દેશના હું ધર્મનું સિંચન કરું,
કર્મો થકી નિર્લેપ થઇને ક્યારે પ્રભુ મુક્તિ વરૂં ?
ના તેજ હો નયને પરંતુ નિર્વિકાર રહો સદા,
હૈયે રહો ના હર્ષ કિન્તુ સદવિચાર રહો સદા,
સૌંદર્ય દેહે ના રહો પણ શીલભાર રહો સદા,
મુજ સ્મરણમાં હે નાથ! તુજ પરમોપકાર રહો સદા...
વીતરાગ વલ્લભ વિશ્વના વાત્સલ્યતા તારી કેટલી!
સહુ જીવમાં તું શિવ જોતો ભવ્યતા તારી કેટલી!
પોતે તર્યા તેમ સહુ તરે તારકતા તારી કેટલી!
સહુ જીવના કલ્યાણ માટે ધર્મની બક્ષીસ ધરી!
મળજો મને જન્મો જનમ બસ આપની સંગત પ્રભુ!
રેલાય મારા જીવનમાં ભક્તિ તણી રંગત પ્રભુ!
તુજ સ્મરણભીનો વાયરો મુજ આસપાસ વહો સદા!
મુજ અંગે અંગે નાથ!તુજ ગુણમય સુવાસ વહો સદા!
No comments:
Post a Comment