Tuesday, December 27, 2011

સ્તુતિઓ: આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું...


ડગલે અને પગલે સતત હિંસા મને કરવી પડે,
તે ધન્ય છે જેને અહિંસા પૂર્ણ જીવન સાંપડે,
ક્યારે થશે કરુણા ઝરણથી આર્દ્ર મારું આંગણું,
આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું...(૧)

ક્યારેક ભય ક્યારેક લાલચ ચિત્ત ને એવા નડે,
વ્યવહારમાં વ્યાપારમાં જુઠું તરત કહેવું પડે,
છે સત્યમહાવ્રતધર શ્રમણનું જીવનઘર રળિયામણુંઆ પાપમય...(૨)

જે માલિકે આપ્યા વગરનું તણખલું પણ લે નહિ,
વંદન હજારો વાર હો તે શ્રમણ ને પળપળ મહી,
હું તો અદત્તાદાન માટે ગામ પરગામે ભમું,આ પાપમય...(૩)

જે ઇન્દ્રિયોને જીવનની ક્ષણ એક પણ સોંપાય ના,
મુજ આયખું આખું વીત્યું તે ઇન્દ્રિયોના સાથમાં,
લાગે હવે શ્રી સ્થૂલિભદ્રતણું સ્મરણ સોહામણું,આ પાપમય...(૪)

નવવિધ પરિગ્રહ જીંદગીભર હું જમા કરતો રહ્યો,
ધનલાલસામાં સર્વભક્ષી મરણને ભૂલી ગયો,
મૂર્છારહિત સંતોષમાં સુખ છે ખરેખર જીવનનું,આ પાપમય...(૫)

અબજો વરસની સાધનાનો ક્ષય કરે જે ક્ષણમહી,
જે નરકનો અનુભવ કરાવે સ્વ પરને અહીને અહી,
તે ક્રોધથી બની મુક્ત સમતાયુકત હું ક્યારે બનું,આ પાપમય...(૬)

જિનધર્મતરુના મૂલ જેવા વિનયગુણ ને જે હણે,
જે ભલભલા ઉંચે ચડેલા ને ય તરણા સમ ગણે,
તે દુષ્ટ માનસુભટની સામે બળ બને મુજ વામણું,આ પાપમય...(૭)

શ્રીમલ્લિનાથ જિનેન્દ્રને જેણે બનાવ્યા સ્ત્રી અને,
સંકલશની જાલિમ અગનમાં જે ધખાવે જગતને,
તે દંભ છોડી સરળતાને પામવા હું થનગનું ,આ પાપમય...(૮)

જેનું મહાસામ્રાજ્ય અકેન્દ્રિય સુધી વિલસી રહ્યું,
જેને બની પરવશ જગત આ દુ:ખમાં કણસી રહ્યું,
જે પાપનો છે બાપ તે ધનલોભ મેં પોષ્યો ઘણું,આ પાપમય...(૯)

તન ધન સ્વજન ઉપર મેં ખુબ રાખ્યો રાગ પણ,
તે રાગથી કરવું પડ્યું મારે ઘણા ભવમાં ભ્રમણ,
મારે હવે કરવું હૃદયમાં સ્થાન શાસનરાગનું,આ પાપમય...(૧૦)

મેં દ્વેષ રાખ્યો દુ:ખ ઉપર તો સુખ મને છોડી ગયું,
સુખ દુ:ખ પર સમભાવ રાખ્યો,તો હૃદયને સુખ થયું,
સમજાય છે મુજને હવેછે દ્વેષ કારણ દુ:ખનું,આ પાપમય...(૧૧)

જે સ્વજન તન ધન ઉપરની મમતા તજી સમતા ધરે,
બસ,બારમો હોય ચંદ્રમાં તેને કલહ સાથે ખરે,
જિનવચનથી મધમધ થજો મુજ આત્માના અણુ એ અણુ,આ પાપમય...(૧૨)

જો પૂર્વભવમાં એક જુઠું આળ આપ્યું શ્રમણને,
સીતા સમી ઉત્તમસતીને રખડપટ્ટી થઇ વને,
ઈર્ષ્યા તજું,બનું વિશ્વવત્સલ,એક વાંછિત માંન્તાનું,આ પાપમય...(૧૩)

મારી કરે કોઈ ચાડીચૂગલી એ મને ન ગમે જરી,
તેથી જ મેં,આ જીવનમાં નથી કોઈ પણ ખટપટ કરી,
ભવો ભવ મને નડજો કડી ના પાપ આ પૈશુન્યનું,આ પાપમય...(૧૪)

ક્ષણમાં રતિ ક્ષણમાં અરતિ આ છે સ્વભાવ અનાદિનો ,
દુ:ખમાં રતિ સુખમાં અરતિ લાવી બનું સમતાભીનો,
સંપૂર્ણ રતિ બસ,મોક્ષમાં હું સ્થાપવાને રણઝણું,આ પાપમય...(૧૫)

અત્યંત નિંદાપાત્ર જે આ લોકમાં ય ગણાય છે,
તે પાપ નિંદા નામનું તજનાર બહુ વખણાય છે,
તજું કામ નક્કામું હવે આ પારકી પંચાતનું,આ પાપમય...(૧૬)

માયામૃષાવાદે ભરેલી છે પ્રભુ ! મુજ જીંદગી,
તે છોડવાનું બળ મને દે,હું કરું તુજ બંદગી,
બનું સાચાદિલ આ એક મારું સ્વપ્ન છે આ જીવનનું,આ પાપમય...(૧૭)

સહુ પાપનું,સહુ કર્મનું,સહુ દુ:ખનું જે મૂલ છે,
મિથ્યાત્વશલ્ય ભૂંડું શૂલ છે,સમ્યક્ત્વ રૂડું ફૂલ છે,
નિષ્પાપ બનવા હે પ્રભુજી ! શરણ ચાહું આપનું,આ પાપમય...(૧૮)

જ્યાં પાપ જ્યારે એક પણ તજવું અતિ મુશ્કેલ છે,
તે ધન્ય છે જે ઓ અઢાર પાપથી  વિરમેલ છે,
ક્યાં પાપમય મુજ જિંદગી,ક્યાં પાપશૂન્ય  મુનિજીવન !
જો તુમ સમુ પ્રભુ! હીર આપો તો કરું મુક્તિ ગમન
આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું.... (૧૯)

No comments:

Post a Comment