Saturday, December 24, 2011

સીમંધર જિન સ્તુતિઓ


શાસ્ત્રો કરે રૂપ વર્ણના પ્રભુરૂપ જોવા ના મળે,
વાણી તણા સુગુણો સુણ્યા પ્રભુ વાણી સુણવા ના મળે,
ઐશ્વર્ય ગુણને જ્ઞાનસંપદ પેખવા વિલસી રહ્યું,
પ્રભુને નિરખવા ભાવનિક્ષેપે હૃદય તલસી રહ્યું...

મળી હોત નહિ જો આંખ તો દુઃખ એટલું લેખાય ના,
અથવા જો પાંખો હોત તો તુજ દર્શ દૂરે થાય ના,
આંખો મળી પાંખો નથી પ્રભુ! શું કરું સમજાય ના,
કાં દ્રષ્ટિ દ્યો, કાં શક્તિ દ્યો ક્ષણ એક હવે રહેવાય ના....

દેવો ઘણા પ્રભુ આપ કેરી સેવનાકરતા રહે,
નિર્મિ પ્રભુ સમવસરણમ કઈ જીવ સહ ઠરતા રહે,
મારતો રહું ઝૂરતો રહું નીરખું કદા સીમંધરો,
કોઈ દેવ મારી આરઝૂ કાને ધરો કાને ધરો...

પ્રાત: સમય હું જાગતો ને સ્મરણ કરતો આપનું,
કરતો પ્રતિક્રમણામહી હું ચૈત્યવંદન આપનું,
મુજ રોમે રોમે નાદ ગુંજે સ્વામી સીમંધર તણો,
હરપળમહી હર સ્થળમહી સથવાર સીમંધર તણો...

નહીં વાર ઝાઝી લાગશે હવે આપ ભેટણ કાજમાં,
કરશું પ્રતિક્ષા થોડલી પછી આવીશું તુમ રાજમાં,
ધરી જન્મવર્ષા અષ્ટનો થઇ આપ જગતારક કને,
દીક્ષા લઇ કરી આપ સેવા મુક્ત બનું થાતું મને...

છે એક વિનતી નાથ ! માહરી કાનમાં અવધારજે,
પ્રત્યેક અક્ષર પ્રાર્થનાના  હૃદયમાં  કંડારજે,
સાક્ષાત કે સ્વપ્ને દઈ દર્શન પ્રભુ ! મને ઠારજે,
હૈયે જે ઉછળી ભાવ ધારા સતત તેને વધારજે...

કરી કલ્પના ઉદયં  કરી,કરી પ્રાર્થના ક્ષેમંકરી,
મનમાં ઉતારી સોંસરી છબી આપની નયને ભરી,
નેત્રો તણા સઘળા પ્રદેશે આપ એવા વસી રહ્યા,
કે નેત્રોમાં નહીં સ્થાન મળતાં આંસુઓ મુજ રડી રહ્યાં..

No comments:

Post a Comment