Monday, December 19, 2011

મિત્રો તમામ આવશે..


ન હતી ખબર કે આ જિંદગીમાં એવા ય મુકામ આવશે;
સંઘરેલ આંસુંઓ જ પ્યાસ બુઝાવવા મને કામ આવશે.

બેઠો છું લઈ હાટ થોડા સપનાઓને વેચવા બજારમાં;
છે ખંડિત સપનાઓ,પણ એનાં કંઈક તો દામ આવશે.

દોષ ન આપશો સાકીને, મારા દોસ્તો, ન પયમાનાને;
છું જ બદકિસ્મત,મારા હાથમાં તો ખાલી જામ આવશે.

જવું જ હોય આપને સનમ તો ભલા હું કેવી રીતે રોકું?
ખ્યાલોમાં આવતા જતા રહેશો,જીવવાની હામ આવશે.

દરવાજા વાસીને, બારીઓ બંધ કરીને અમે જોઈ લીધું;
નફ્ફટ એવી તન્હાઈ તો મળવા મને સરેઆમ આવશે.

લૈલા મજનૂ, શીરી ફરહાદ, રોમિયો જુલિએટ યાદ સૌને;
નવા ઇતિહાસમાં એક દી સનમ આપણું ય નામ આવશે.

ન જાઉં હું કદી કાશી મથુરા, ન કરું હું કદી તીરથ યાત્રા;
જ્યાં પડ્યા પડછાયા સનમનાં ત્યાં મારા ચારધામ આવશે.

જનાજો બરાબર સજાવો દોસ્તો આખરી વેળાએ;
મર્યો કે નહીં એ જોવા મને મારનારા મિત્રો તમામ આવશે.

No comments:

Post a Comment