Saturday, December 24, 2011

હે નાથ ! નિર્મળતા તણું વરદાન..

આ જગતના કૈ ભૂપના પણ રૂપ જ્યાં ઝાંખા પડે,
દેવો તણા અધિરાજના તનુંતેજ જ્યાં ઝાંખા પડે,
રૂપયુક્ત રાગે મુક્ત પ્રભુવર! એક વિનતી સાંભળો,
હે નાથ ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો...

તીર્થો તણી પર્વો તણી લજ્જા પ્રભુ મેં ધરી નથી,
શુભયોગને સ્પર્શ્યા છતાં શુભતાને મનમાં ભરી નથી,
કેવળક્રિયાઓ કરી રહ્યો હવે તેહનું ફળ આપજો,
હે નાથ ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો...

તવદર્શ કેરું સ્પર્શ કેરું નિમિત્ત લઇ અતિનિર્મળું,
નથી છૂટતી આ પાપગ્રંથિ કેમ કરી પાછો વળું ?
આ જીવ કેરી અવદશાને કૃપાળું દેવ ! નિવારજો,
હે નાથ ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો...

ઉપસર્ગ કરનારા જીવોને પણ ક્ષમા પ્રભુ ! દઈ દીધી,
આસક્તને વૈરાગ્ય કેરી સ્પર્શના પ્રભુ ! દઈ દીધી,
સ્તવના કરીને યાચતા આ બાળનું મન રાખજો,
હે નાથ ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો...

મનના મલીન વિચારનો કોઈ અંત દેખાતો નથી,
કાયા તણી શુભકરણીનો કાંઈ અર્થ લેખાતો નથી,
હવે એક ઔષધ આપ તારક પ્રાર્થના અવધારજો,
હે નાથ ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો...

તવ નયનમાંથી નિખરતા નિર્મળ કિરણ ઝીલ્યા કરું,
ને નિર્વિકારદશા તણો હરપળ પ્રભુ ! અનુભવ કરું,
મુજને કરાવી શુદ્ધિનું મહાસ્નાન પછી શણગારજો,
હે નાથ ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો...

No comments:

Post a Comment