Saturday, December 31, 2011

સંબંધો ખીલવા ન દે તે ભય અને કરમાવા ન દે તે પ્રેમ...


સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી. સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી. આપણે સહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ. સંબંધો જ માણસને માણસ સાથે જૉડી અને જકડી રાખે છે.

દરેક સંબંધો જુદા જુદા હોય છે. કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે. દરેક સંબંધોની એક સીમા હોય છે. દરેક લોકો માટે આપણે અલગ અલગ વર્તુળો દોરી રાખ્યાં હોય છે અને કોને કયાં સુધી આવવા દેવો તે આપણે નક્કી કરી રાખ્યું હોય છે.

આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યકત થાય છે. આ વર્તનમાં જ આપણાં સંસ્કારો અને સંસ્કòતિ છતાં થાય છે. તમે તમારા લોકો સાથે કેવી રીતે રહો છો તેના પરથી જ તમારા સારા-નરસા કે લાયક-નાલાયકની છાપ ખડી થતી હોય છે. આ છાપ જ પછી માણસની ઓળખ બની જાય છે. એટલે જ આપણે ઘણી વખત કોઈની વાત નીકળે ત્યારે એવો સવાલ કરીએ છીએ કે, એ કેવો માણસ છે?

સંબંધો માણસની જરૂરિયાત છે. સંબંધો બંધાતા રહે છે. સંબંધો તૂટતા પણ રહે છે. સંબંધો દૂર પણ જતા રહે છે. સંબંધો સરળ નથી. સંબંધો જાળવવામાં આવડત અને કુનેહની જરૂર પડે છે. કેટલા સંબંધો કાયમી ટકે છે? સંબંધો કેવા રહે છે તે બે વ્યકિત ઉપર નિર્ભર કરે છે. સાથોસાથ એ વાત પણ સનાતન સત્ય છે કે એક વ્યકિતના સંબંધ બીજી વ્યકિત પર સીધી અસર કરે છે. સંબંધોની સાર્થકતા એ આજની સૌથી મોટી જરૂરિયાત છે. માણસ સંબંધો ગુમાવતો જાય છે.

સંબંધો બહુ નાજુક છે. સંબંધો પારા જેવા છે, ખબર ન પડે તેમ સરકી જાય છે અને વેરાઈ પણ જાય છે. છતાં માણસનું ગૌરવ એમાં જ છતું થાય છે કે એ સંબંધોના અપ-ડાઉન વખતે કેવું વર્તન કરે છે. તમે કેવી રીતે મળો છો તેના કરતાં પણ કેવી રીતે છૂટા પડો છો તેના પરથી જ તમારા સંબંધોના ગૌરવ અને ગરિમાની સાબિતી મળે છે. સંબંધોમાં હળવાશ હોવી જૉઈએ. તમારા રિલેશનનું સ્ટાન્ડર્ડ કેવું છે?

માણસ આખી દુનિયાને સારું લગાડતો ફરે છે પણ પોતાના લોકોને જ પ્રેમ કરી શકતો નથી. આખી દુનિયાને માફ કરવી સહેલી છે પણ પોતાની વ્યકિતનું જતું કરવામાં જિગર જૉઈએ. આપણે આપણા સંબંધોને કયારેય નજીકથી નિહાળીએ છીએ? આપણા લોકોની કદર આપણે કરી શકીએ છીએ? તમારા સંબંધોને સજીવન રાખો. કોઈ સંબંધ સુકાઈ જતો લાગે તો સ્નેહ સીંચીને તાજા કરી લો. આપણે ચે જતાં જઈએ તેમ સાથે હોય એ દૂર તો થઈ જતાં નથી ને? ઘર એક વ્યકિતથી બનતું નથી, પોતાના લોકોથી બને છે. સમાજ સંબંધોનું જ મોટું સ્વરૂપ છે અને સંબંધોની મીઠાશમાંથી જ સુખનો સ્વાદ આવે છે. પોતાના લોકોને દૂર થવા નહીં દો તો કયારેય એકલતા લાગશે નહીં.

ખીલવા ન દે તે ભય અને કરમાવા ન દે તે પ્રેમ.

No comments:

Post a Comment