સીજ્યા પ્રભુ મુજ કાજ સઘળા આપ દર્શન યોગથી,
મંગલ બન્યો દિન આજ મારો આપ પ્રેમ પ્રયોગથી,
ધરતી હૃદયની નાથ મારી આપ શરણે ઉપશમી,
રત્નત્રયી વરદાન માંગુ નાથ! તુજ ચરણે નમી....
ગિરૂઆ ગુણો તારા કેટલા ગુણસાગરો ઓછા પડે,
રૂપ લાવણ્ય તારું કેટલું રૂપસાગરો પાછા પડે,
સામર્થ્ય એવું અજોડ છે સહુ શક્તિઓ ઝાંખી પડે,
તારા ગુણાનુંવાદમાં માં શારદા પાછી પડે...
ઝીલમીલ થતા દીપક તણા અજવાસના પડદા પરે ,
હર પલ અને હર ક્ષણ પ્રભુ તું નવ નવા રૂપો ધરે,
હે વિશ્વમોહન નીરખતાં અનિમેષ નયને આપને,
ત્રણ જગત ન્યોછાવર કરું તારી ઉપર થાતું મને...
મુજ હૃદયના ધબકારમાં તારું રટણ ચાલી રહો,
મુજ સ્વાસ ને ઉચ્છવાસમાં તારું સ્મરણ ચાલી રહો,
મુજ નેત્રની હર પલકમાં તારું જ તેજ રમી રહો,
ને જીંદગીની હર પળોમાં પ્રાણ તુંહી મુજ બની રહો...
ના તેજ હો નયને પરંતુ નિર્વિકાર રહો સદા,
હૈયે રહો ના હર્ષ કિન્તુ સદવિચાર રહો સદા,
સૌન્દર્ય દેહે ના રહો પણ શીલભાર રહો સદા,
મુજ સ્મરણ માં હે નાથ! તુજ પર્મોપકાર રહો સદા...
સુખ દુઃખ સકલ વિસરું વિભુ એવી મળો ભક્તિ મને,
સહુને કરું શાસનરસિ એવી મળો શક્તિ મને,
સંક્લેશ અગન ભુઝાવતી મળજો અભિવ્યક્તિ મને,
મનને પ્રસન્ન બનાવતી મળજો અનાશક્તિ મને...
મળજો મને જન્મો જનમ બસ આપની સંગત પ્રભુ,
રેલાય મારા જીવનમાં તુજ ભક્તિની રંગત પ્રભુ,
તુજ સ્મરણ ભીનો વાયરો મુજ આસપાસ વહો સદા,
મુજ અંગે અંગે નાથ! તુજ ગુણમય સુવાસ વહો સદા...
હું કદી ભૂલી જાઉં તો પ્રભુ તું મને સંભાળજે,
હું કદી ડૂબી જાઉં તો પ્રભુ તું મને ઉગારજે,
હું વસ્યો છું રાગમાં ને તું વસે વૈરાગમાં,
આ રાગમાં ડૂબેલને ભવપાર તું ઉતારજે...
આરાધનાની ગાંઠ સરકી જાય ના જોજે પ્રભુ,
મુજ ભાવનાનો સ્તોત ફસકી જાય ના જોજે પ્રભુ,
મુજ સ્વાસના ક્યારા મહી રોપ્યું પ્રભુ તુજ નામને,
એ મોક્ષ ગામી બીજ બગડી જાય ના જોજે પ્રભુ...
છે કાળ બહુ બિહામણો ને પાર નહિ કુનિમિત્તનો,
છે સત્વ મારું પાંગળું આધાર એક જગમિતનો,
સ્વીકાર છે તુજ પંથનો બસ તાહરા વિશ્વાસથી,
હે નાથ! યોગક્ષેમ કરજે સર્વદા મોહપાસથી…
No comments:
Post a Comment